નવી દિલ્હી, તા. 17 માર્ચ 2022, ગુરૂવાર : આગામી અઠવાડિયે બંગાળની ખાડીમાં અસની ચક્રવાત આવી શકે છે.હવામાન વિભાગે કહ્યું છે કે,દક્ષિણ-પશ્ચિમ હિંદ મહાસાગરમાં નીચા દબાણનો વિસ્તાર આવતા સપ્તાહની શરૂઆતમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમી શકે છે.હવામાન વિભાગની આગાહી અનુસાર,આ ચક્રવાત બાદમાં બાંગ્લાદેશ અને તેની નજીકના ઉત્તર મ્યાનમાર તરફ આગળ વધશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,વર્તમાન લો પ્રેશર એરિયા મંગળવારે રચાયો હતો અને તે શનિવાર સુધી પૂર્વ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.ત્યાર બાદ તે આંદામાન અને નિકોબાર ટાપુઓ તરફ આગળ વધશે.
હવામાન વિભાગે કહ્યું છે કે,જે લો- પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે તે 21 માર્ચે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે,જે 22મી માર્ચે ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે.જો આ ચક્રવાત વાવાઝોડાનું રૂપ ધારણ કરશે તો તેનું નામ ‘અસની’ રહેશે.નિયમો અનુસાર આ ચક્રવાત તોફાનને શ્રીલંકાએ ‘અસની’ નામ આપ્યું છે.
માછીમારોને દરિયાકાંઠાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી
હવામાન વિભાગે કહ્યું છે કે,ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાં અસર દર્શાવ્યા બાદ આ ચક્રવાતી તોફાન 23 માર્ચે બાંગ્લાદેશ અને મ્યાનમારના ઉત્તરીય છેડે પહોંચશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,ગુરૂવાર અને શુક્રવારે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને તેમની નજીકના દક્ષિણ આંદામાન સમુદ્રમાં દરિયાઈ ગતિવિધિ વધુ તીવ્ર થવાની સંભાવના છે.આ કારણે ચેતવણી જાહેર કરતી વખતે હવામાન વિભાગે માછીમારોને આગામી બુધવારે બંગાળની ખાડીના દક્ષિણ ભાગ અને તેની આસપાસના વિસ્તારોમાં અને આગામી ગુરૂવાર અને શુક્રવારે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં માછીમારી માટે ન જવાની સલાહ આપી છે.
પવનની ઝડપ 90 કિમી થઈ શકે
હવામાન વિભાગે શનિવાર અને મંગળવાર વચ્ચે આંદામાન સમુદ્રથી આંદામાન અને નિકોબાર ટાપુઓ સુધી મુસાફરી ન કરવાની પણ સલાહ આપી છે.રવિવારે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં જોરદાર પવન ફુંકાવાની અપેક્ષા છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દિવસે પવનની ઝડપ 70થી 80 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે,જે બીજા દિવસે 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.જો કે,હવામાન વિભાગે એ નથી જણાવ્યું કે,જો ચક્રવાતની સ્થિતિ વાવાઝોડામાં ફેરવાય તો તે કેટલું જોખમી બની શકે છે.