સાંસદોની પેનલે મિલિટરી ફન્ડિંગમાં કાપ સામે ચેતવણી આપી, બોર્ડર ટેન્શનનો કર્યો ઉલ્લેખ

409

નવી દિલ્હી,તા.17.માર્ચ.2022 : પાડોશી દેશોની સાથે ભારતના ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતના સુરક્ષાદળોને પુરતુ બજેટ ફાળવવામાં આવે તે જરુરી છે તેવુ સંસદની સંરક્ષણ બાબતની સ્થાયી સમિતિનુ કહેવુ છે.

સમિતિએ ભલામણ કરી છે કે,સેનાની ત્રણે પાંખના બજેટમાં અને તેમણે કરેલી માંગણીમાં ભારે તફાવત છે.સંરક્ષણ મંત્રાલયે આવનારા વર્ષોમાં સેનાના બજેટમાં કોઈ જાતનો કાપ મુકવો જોઈએ નહીં.

સમિતિએ લોકસભામાં રજૂ કરેલા પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે, 2022-23ના વર્ષ માટે કેપિટલ હેડ નીચે 2.15 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી પણ ફાળવણી માત્ર 1.52 લાખ કરોડ રુપિયા કરવામાં આવી હતી.

સાથે સાથે ત્રણે પાંખની બજેટની જોગવાઈ અને ફાળવણીની વાત કરવામાં આવે તો આર્મીને 14729 કરોડ રુપિયા,નેવીને 20031 કરોડ રુપિયા અને એરફોર્સને 28471 કરોડ રુપિયા ઓછા ફાળવવામાં આવ્યા છે

કમિટિનુ કહેવુ છે કે,ભારતીય વાયુસેનાએ જે પ્રેઝન્ટેશન કર્યુ હતુ તે પ્રમાણે વાયુસેનાના ફાઈટર જેટસની 42 સ્કવોડ્રન હોવી જરુરી છે.જોકે અત્યારે જે સ્કવોડ્રન છે તે તેના કરતા ઓછી છે અને તેના વિમાનોની પણ આવરદા પૂરી થવાના આરે છે.વાયુસેનાએ વહેલી તકે નવા વિમાનો ખરીદવાની જરુર છે.જેથી તેની લડાકુ ક્ષમતા વધારી શકાય.સાથે સાથે વાયુસેનાની મારક ક્ષમતા અને ટેકનોલોજી પર કોઈ સમાધાન થવુ જોઈએ નહીં.કારણકે માત્ર વિમાનોની સંખ્યા જ નહીં પણ તેની હથિયારો લઈ જવાની ક્ષમતા તેમજ વિમાનોની રેન્જ પણ મહત્વની બાબત છે.

આ સમિતિના અધ્યક્ષ ભાજપના સાંસદ જુઆલ ઓરામ છે અને તેમાં રાહુલ ગાંધી તેમજ શરદ પરવાર સહિતના 30 સભ્યો સામેલ છે.

તેની સાથે સાથે કમિટિએ આર્મી કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં રહેતા લોકોને ધ્યાનમાં રાખીને તેમજ કેન્ટોન્મેન્ટ બોર્ડના લોકશાહીના માળખવાને જાળવી રાખવા માટેના નવા બિલને વહેલી તકે સંસદમાં મુકવામાં આવે તેવી પણ ભલામણ કરી છે.

જે નવુ બિલ લાવવા માટે વિચારણા તઈ રહી છે તેમાં કેન્ટોન્મેન્ટ બોર્ડમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા વધારવાના,કેન્ટોન્મેન્ટની માળખાકીય સુવિધાઓ વધારવાના તેમજ ચૂંટાયેલા સભ્યોને વધારે નાણાકીય સત્તા આપવાના પ્રસ્તાવ સામેલ છે.નવા બિલમાં કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં કોર્પોરેશન એકટ લાગુ કરવા માટે પણ જોગવાઈ કરવામાં આવી શકે છે.

કમિટિને લાગે છે કે,કેન્ટોન્મેન્ટ વિસ્તારોમાં રહેતા લોકો અને લોકશાહી ઢબે થતી કામગીરીને લગતી વિવિધ જોગવાઈઓ નવા બિલ પર આધાર રાખે છે.જેમાં એક પ્રસ્તાવ વિવિધ કેન્ટોન્મેન્ટ બોર્ડમાં ચૂંટણી યોજવાનો પણ છે.અત્યારની સ્થિતિ પ્રમાણે દેશના 61 બોર્ડમાં ચૂંટણી યોજવાની છે અને આ વિસ્તારમાં રહેતા લોકોને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે નિયમિત રીતે ચૂંટણી યોજવાની જરુર પડતી હોય છે.

નવુ કેન્ટોન્મેન્ટ બિલ રજૂ કરતા પહેલા વિવિધ પક્ષો પાસે સલાહ સૂચન મંગાવવામાં આવ્યા હતા.હવે વહેલી તકે આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવે તેવુ પણ સમિતિએ કહ્યુ છે.

Share Now