કોવિડ-19: ભારતમાં ચોથી લહેર ક્યારે આવી શકે છે ? BA2 ના ભય વચ્ચે નિષ્ણાતોએ શું કહ્યું જાણો..

355

મુંબઈ, તા. 19 માર્ચ 2022, શનિવાર : ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BA2ને કારણે દક્ષિણ કોરિયા, બ્રિટન અને યુરોપના ઘણા દેશોમાં કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં વધારો દેખાય રહ્યો છે.જ્યારે આપણે ભારતની સ્થિતિ પર નજર કરીએ તો નિષ્ણાતો અહીં ચોથી લહેરને લઈને વધુ ચિંતિત નથી દેખાય રહ્યા.એના માટે તેઓ વેક્સિનેશન અને ઈમ્યુનિટિ સહીત કેટલાક કારણો ગણાવી રહ્યા છે.હાલમાં કેટલાક દિવસોથી દેશમાં સંક્રમણના દૈનિક કેસોની સંખ્યા 3 હજારથી ઓછી રહી છે.

એક અહેવાલ પ્રમાણે મહારાષ્ટ્ર સરકારના ટેકનિકલ સલાહકાર અને આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક ડૉ.સુભાષ સાલુંખે જણાવ્યું છે કે,આપણે સાવધાની ઓછી ન કરી શકીએ કારણ કે વિશ્વના અન્ય દેશોની સ્થિતિ જોતા ભારતમાં પણ ચોથી લહેર આવશે.તેમણે જણાવ્યું કે,ચોથી લહેર વિશે આપણે નથી જાણતા કે,તે ક્યારે આવશે અને કેટલી જોખમી હશે.

ડિસેમ્બર 2021 અને ફેબ્રુઆરી દરમિયાન આવેલી ત્રીજી લહેર દરમિયાન વધેલી ઈમ્યુનિટિ અને મોટાભાગના રાજ્યોમાં સારું વેક્સિનેશનને કારણે હાલમાં નવી લહેરને લઈને નિષ્ણાતોને ચિંતા ઓછી છે.નવેમ્બર 2021માં દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત નોંધાયેલ ઓમિક્રોન વેરિએન્ટે વિશ્વભરમાં મુશ્કેલીઓ ઊભી કરી દીધી હતી.જો કે,થોડા સમય પછી તે સ્પષ્ટ થયું કે આ ઝડપથી ફેલાતા વેરિએન્ટને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને મૃત્યુની સંખ્યામાં કોઈ નોંધપાત્ર વધારો નથી થયો.નિષ્ણાતો કહેવું છે કે,આ રસીકરણના કારણે સંભવ બન્યું છે.

મહારાષ્ટ્ર સરકારના કોવિડ-19 ટાસ્ક ફોર્સનો ભાગ રહેલા ડૉ.શશાંક જોશી મુંબઈની સ્થિતિને લઈને જણાવ્યું છે કે, ‘જીનોમ સિક્વન્સિંગને કારણે અમને સમજાયું કે ઓમિક્રોનના વેરિએન્ટ BA1 અને BA2 અહીં ત્રીજી લહેરની શરૂઆતમાં જ હાજર હતા.’ તેમણે જણાવ્યું કે,ભારતમાં હાલમાં નવી લહેરનો કોઈ જોખમ નથી.

Share Now