નવી દિલ્હી, તા. 19 માર્ચ 2022, શનિવાર : ગરમી,પ્રદૂષણ અને ટ્રાફિક જામથી બચવા માટે મેટ્રો ટ્રેન સેવા એ રાજધાની દિલ્હીમાં પરિવહન માટેનું એક શ્રેષ્ઠ માધ્યમ છે.ત્યારે દિલ્હીના રહેવાસી અને દિલ્હી મેટ્રોમાં કામ કરતા પ્રફુ્લ્લ સિંહે દિલ્હી મેટ્રોમાં સફર કરીને ગિનીજ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Records)માં નામ નોંધાવ્યું છે.
પ્રફુલ્લ સિંહે સૌથી ઓછા સમયમાં દિલ્હી મેટ્રોના તમામ સ્ટેશનમાં મુસાફરી કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. DMRC દ્વારા ટ્વિટ કરીને આ અંગેની જાણકારી પણ આપવામાં આવી છે.આ રેકોર્ડ બનાવવા માટે પ્રફુલ્લે 254 સ્ટેશનની મુસાફરી કરી હતી જેના માટે તેમને 16 કલાક 2 મિનિટ અને 17 સેકન્ડ જેટલો સમય લાગ્યો હતો.ઉલ્લેખનીય છે કે,દિલ્હી મેટ્રોનું 254 સ્ટેશનોવાળું આ નેટવર્ક 348 કિમીમાં ફેલાયેલું છે.
દિલ્હી મેટ્રોમાં અગાઉથી જ આવો એક રેકોર્ડ નોંધાયેલો હતો જેમાં તે વ્યક્તિએ 16 કલાક 45 મિનિટમાં તમામ સ્ટેશનોમાં ટ્રાવેલ કર્યું હતું.ત્યારે પ્રફુલ્લે હવે તે વ્યક્તિનો રેકોર્ડ બ્રેક કર્યો છે.
પ્રફુલ્લના કહેવા પ્રમાણે 254 સ્ટેશન્સની યાદીમાં એક્વા અને રેપિડ મેટ્રો લાઈન સામેલ નહોતી.તે સિવાય તેમણે રેડ,યેલો,બ્લુ,ઓરેન્જ,ગ્રીન, વાયોલેટ,મજેન્ટા,પિંક અને ગ્રે લાઈનમાં સફર કરી હતી.
દિલ્હી મેટ્રોમાં રેવન્યુ ઈન્સ્પેક્ટર છે પ્રફુલ્લ
33 વર્ષીય પ્રફુલ્લ સિંહ દિલ્હી મેટ્રોમાં રેવન્યુ ઈન્સ્પેક્ટરના પદ પર કામ કરે છે અને મેટ્રોમાં કામ કરતાં તેમને 5 વર્ષ થઈ ગયા છે.તેમના કહેવા પ્રમાણે આ રેકોર્ડ બનાવવો એટલો સરળ નથી. 16 કલાકથી પણ વધારે સતત મુસાફરી કરવી અઘરૂં હોય છે.ઉપરાંત રસ્તામાં લોગ શીટ મેઈન્ટેન કરવી,સ્ટેશન્સના ફોટોઝ ક્લિક કરવા,વિટનેસ પાસે સાઈન કરાવવી વગેરે સફરને વધુ અઘરી બનાવે છે.જોકે તેઓ મેટ્રોમાં કામ કરતા હોવાથી તેમના માટે આ થોડું સરળ રહ્યું હતું.
મુસાફરી જ્યાંથી શરૂ થાય ત્યાં એક વિટનેસ દ્વારા સ્ટોપવોચ શરૂ કરાવવામાં આવે છે.ત્યાર બાદ બીજી વ્યક્તિ તે સ્ટોપવોચ લઈને એ સ્ટેશન પર પહોંચી જાય છે જ્યાં રેકોર્ડ બનાવવા પ્રયત્ન કરી રહેલી વ્યક્તિની સફરનો અંત આવે છે.બાદમાં તે વ્યક્તિ ત્યાં પહોંચે ત્યારે સ્ટોપ વોચને બંધ કરી દેવામાં આવે છે.