
નવી દિલ્હી, તા. 19 માર્ચ 2022, શનિવાર : હોળી દહન બાદ તરત જ ગરમીએ પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે.દેશની રાજધાની દિલ્હી સહીત ભારતના મોટાભાગના રાજ્યામાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.માર્ચ મહીનો હજુ પૂરો પણ નથી થયો અને રાજસ્થાનમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.IMDના જણાવ્યા પ્રમાણે હવે તાપમાનમાં સતત વધારો જોવા મળશે.
IMD એ રાજસ્થાન,મધ્યપ્રદેશ,વિદર્ભ,તેલંગાણા અને ગુજરાતના કેટલાક ભાગોમાં લૂની સંભાવના વ્યક્ત કરી છે.તો બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં પણ ગરમ હવાઓની અસર જોવા મળશે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા પ્રમાણે ઉત્તર ભારત માટે માર્ચ મહીનો શુષ્ક રહેશે.એક તરફ જ્યાં ગરમીમાં સતત વધારો થશે તો બીજી તરફ આગામી દિવસોમાં વરસાદ પડવાની પણ કોઈ શક્યતા નથી.
રાષ્ટ્રીય રાજધાનીમાં શનિવારની સવારની શરૂઆત ગરમી સાથે થઈ હતી અને ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતાં લગભગ 4 ડિગ્રી વધુ હતું.ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે દિલ્હીમાં આજે (શનિવાર) આકાશ સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે.જ્યારે 22 માર્ચે ગરમ પવન રહી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પશ્ચિમી વિસ્તારમાં આવી રહેલી ગરમ હવાઓને કારણે દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશના તાપમાનમાં ઝડપથી વધારો થઈ શકે છે.પશ્ચિમી રાજસ્થાનની સ્થિતિ એવી છે કે,ત્યાં અત્યારથી જ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.