
નવી દિલ્હી, તા. 19. માર્ચ. 2022 શનિવાર : કાશ્મીરી પંડિતો પરના અત્યાચાર પર આધારિત ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે.
આ ફિલ્મ બોક્સ ઓફિસ રોજ નવા રેકોર્ડ સર્જી રહી છે.રિલિઝ થયાના આઠમા દિવસે ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડના કલેક્શનનો આંકડો વટાવી દીધો છે.એટલુ જ નહીં આઠમા દિવસે કમાણીના મામલે આમિર ખાનની સૌથી સુપરહિટ ફિલ્મ દંગલ નજીક પહોંચી ચુકી છે.
આઠમા દિવસે ધ કાશ્મીર ફાઈલ્સે બોક્સ ઓફિસ પર 19.15 કરોડની કમાણી કરી છે.જે બાહુબલી-2ના આઠમા દિવસના 19.75 કરોડના કલેક્શનની બહુ નજીક છે અને દંગલના આઠમા દિવસના 19.59 કરોડની પણ બહુ નજીક છે.
જોકે બાહુબલી અને દંગલ બંને બીગ બજેટ અને ભારે પબ્લિસિટી સાથે રજૂ થયેલી ફિલ્મો હતી.
આ સાથે જ કાશ્મીર ફાઈલ્સ ઓલ ટાઈમ બ્લોક બસ્ટર ફિલ્મોમાં સામેલ થઈ ગઈ છે.ભારતમાં તેણે અત્યાર સુધીમાં 116 કરોડની કમાણી કરી લીધી છે.
બીજી વીકેએન્ડમાં તો ફિલ્મ 150 કરોડનો આંકડો પાર કરી લેશે.ફિલ્મને જે રીતે પ્રસિસાદ મળ્યો છે તેના કારણે તામિલ,તેલુગુ અને મલયાલમ ભાષામાં પણ તેને ડબ કરવામાં આવનાર છે.આમ કાશ્મીર ફાઈલ્સનુ કલેક્શન આગામી દિવસોમાં હજી વધશે.
હાલમાં 4000 સ્ક્રીન પર આ ફિલ્મ દેખાડવામાં આવી છે.