અંકારા, તા. 19 માર્ચ. 2022 શનિવાર : તુર્કીમાં દુનિયાનો સૌથી લાંબો સસ્પેન્શન બ્રિજ બનીને તૈયાર છે.આ પુલનુ તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને ઉદઘાટન કર્યુ છે.
આ પુલ એશિયા અને યુરોપને એક બીજાની સાથે જોડે છે.યુરોપ અને એશિયાના દરિયા કિનારાને જોડતા આ પુલને તુર્કી તેમજ દક્ષિણ કોરિયાની કંપનીએ 2.8 અબજ ડોલરના ખર્ચે તૈયાર કર્યો છે.
પહેલા વિશ્વ યુધ્ધમાં ફ્રાંસ તેમજ બ્રિટિશ સેના સામે 1915માં તુર્કીની નૌસેનાની જીતની વર્ષગાંઠે જ આ પુલનુ ઉદઘાટન કરતા તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને કહ્યુ હતુ કે,આ પુલના કારણે દેશની ઈકોનોમીને મદદ મળશે.
જોકે ટીકાકારોએ આ પુલનો તુર્કીના આર્થિક સંકટ,પર્યાવરણના જોખમને આગળ ધરીતને વિરોધ કર્યો છે.
એમ પણ 2023માં તુર્કીમાં થનારી ચૂંટણી પહેલા સર્વેક્ષણોમાં રાષ્ટ્રપતિ એર્દોગન અને તેમની પાર્ટીની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળ્યો છે.
માર્ચ 2017માં આ પુલનુ કામ શરુ કરવામાં આવ્યુ હતુ.જેમાં 5000થી વધારે કામદારો જોડાયેલા હતા.આ પુલનુ સંચાલન બિલ્ડ-ઓપરેટ અને ટ્રાન્સફર એગ્રિમેન્ટના આધારે કરાશે.
તુર્કી અને યુરોપીય એશિયાઈ દરિયા કિનારેને જોડતો આ ચોથો પુલ છે.તેના ટાવર 318 મીટર ઉંચા છે અને પુલની લંબાઈ 4.6 કીમી છે.
પુલનો સૌથી મોટો ફાયદો એ થશે કે જે મુસાફરી કરવા માટે પાંચ કલાક લાગતા હતા તે મુસાફરી હવે માત્ર 6 મિનિટમાં પુરી થશે.