વધુ હિંસક હુમલાની તૈયારીમાં રશિયા, સૈનિકોને આર્મેનિયાથી મોકલશે યુક્રેન

167

કીવ, તા. 19 માર્ચ 2022, શનિવાર : રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હજુ વધારે ભીષણ બની શકે છે.રશિયા પોતાના આર્મેનિયા ખાતે તૈનાત સૈનિકોને પણ યુક્રેન મોકલવાની યોજના બનાવી રહ્યું છે.કીવ ઈન્ડિપેન્ડન્ટે યુક્રેનના સશસ્ત્ર બળોના હવાલાથી આ અંગેની જાણકારી આપી હતી.ત્યાં 102મા રશિયન સૈન્ય બેઝમાંથી કેટલાક યુનિટ્સ ટ્રાન્સફર કરવામાં આવશે.રશિયાનો ઉદ્દેશ્ય ત્યાં પોતાની યુદ્ધ ક્ષમતાને વધારે મજબૂત બનાવવાનો છે.તેવામાં આ યુદ્ધ હજુ અટકશે નહીં તેમ માનવામાં આવે છે.

યુક્રેનના સશસ્ત્ર બળોના જનરલ સ્ટાફે એક દિવસ પહેલા ફેસબુક પર જણાવ્યું હતું કે,’યુક્રેનના લોકો રશિયન સૈન્ય આક્રમણ વિરૂદ્ધ બહાદૂરીપૂર્વક લડી રહ્યા છે,જેનો આજે 23મો દિવસ છે.વ્યક્તિગત એકમોની યુદ્ધ ક્ષમતાને પુનઃસ્થાપિત કરવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. રશિયાના સૈન્ય નેતૃત્વએ આર્મેનિયા ખાતે 102મા સૈન્ય અડ્ડામાંથી અમુક એકમોને યુક્રેનમાં ટ્રાન્સફર કરવાની યોજના બનાવી છે.’રશિયાએ 24 ફેબ્રુઆરીના રોજ પ્રથમ વખત યુક્રેન પર હુમલો કર્યો હતો અને ત્યારથી યુદ્ધ ચાલું છે.બંને દેશ વચ્ચે અનેક રાઉન્ડની બેઠકો થઈ છે પરંતુ તેમ છતાં શાંતિ નથી સ્થાપી શકાઈ.

સમજૂતીની નજીક પહોંચ્યા દેશો

અગાઉ યુક્રેનના અધિકારીઓ સાથે વાર્તા કરી રહેલા રશિયન પ્રતિનિધિમંડળના પ્રમુખે કહ્યું હતું કે,યુક્રેનના તટસ્થ દરજ્જાને લઈ બંને પક્ષ સમજૂતીની નજીક પહોંચી ગયા છે.યુક્રેન સાથે અનેક તબક્કાની વાર્તા કરનારા રશિયન પ્રતિનિધિમંડળના અધ્યક્ષ વ્લાદિમીર મેંદિસ્કીએ શુક્રવારે જણાવ્યું કે,બંને પક્ષ યુક્રેનના નાટોમાં સામેલ થવાના પ્રયત્નોને છોડવા અને તટસ્થ વલણ અપનાવવા મુદ્દે જે મતભેદો સર્જાયા તેના ઉકેલની નજીક પહોંચ્યા છે.

મેંદિસ્કીની ટિપ્પણીઓને રશિયન સમાચાર એજન્સીઓએ આ પ્રકારે દર્શાવી હતી, ‘તટસ્થ દરજ્જા અને યુક્રેનની નાટોની સદસ્યતાથી દૂરી વાર્તાનું મુખ્ય બિંદુ છે અને આ મામલે બંને પક્ષોનું વલણ એકબીજાની નજીક પહોંચી રહ્યું છે.’તેમણે જણાવ્યું કે,હવે યુક્રેનના વિસૈન્યીકરણ માટે બંને પક્ષોએ અડધો રસ્તો પાર કરી લીધો છે.મેંદિસ્કીએ રેખાંકિત કર્યું કે,કીવ ભાર આપી રહ્યું છે કે યુક્રેનના રશિયા-સમર્થિત પૂર્વીય અલગાવવાદી ક્ષેત્રેને તેના આધીન લાવવામાં આવે.જ્યારે રશિયાનું માનવું છે કે,તે વિસ્તારના લોકોને જાતે જ પોતાના નસીબ અંગે નિર્ણય લેવાની મંજૂરી આપવામાં આવે.

Share Now