વર્ષ 2024 સુધી જય શાહ રહેશે ACCના પ્રેસિડેન્ટ, AGMમાં લેવાયો નિર્ણય

397

નવી દિલ્હી, તા. 19 માર્ચ 2022, શનિવાર : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને લઈ શનિવારે એક મોટી અપડેટ સામે આવી છે.એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે,વર્ષ 2024 સુધી જય શાહ જ ACC અધ્યક્ષ બની રહેશે.

શનિવારે યોજાયેલી AGMની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.ACC દ્વારા ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે,ACCના તમામ સદસ્યોએ એકમતથી નક્કી કર્યું છે કે,જય શાહનો ACC પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યકાળ વર્ષ 2024 સુધી લંબાવી દેવામાં આવે.

ઉલ્લેખનીય છે કે,એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં 5 બોર્ડ સ્થાયી સદસ્ય છે.તેમાં ભારત,પાકિસ્તાન,શ્રીલંકા,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. તે સિવાય નેપાળ, ઓમાન, યુએઈ, ભૂતાન, હોંગકોંગ,થાઈલેન્ડ,ચીન,બહેરીન સહિત અન્ય કેટલાય દેશોના ક્રિકેટ બોર્ડ પણ આ કાઉન્સિલનો હિસ્સો છે.

આ AGMમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે,કતાર ક્રિકેટ અસોસિએશનને હવે કાઉન્સિલના ફુલ મેમ્બર તરીકેનો દરજ્જો આપવામાં આવશે.પહેલા તેને ફક્ત અસોસિએટનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ આ સાથે જ એશિયા કપ-2022ને લઈને પણ નિર્ણય લીધો છે.આ વર્ષે શ્રીલંકા ખાતે એશિયા કપ રમાશે અને તે ટી-20 ફોર્મેટમાં હશે.ટી-20 વર્લ્ડ કપ પહેલા ભારત માટે તૈયારી માટે આ ખૂબ મોટી તક છે.

Share Now