બેંગાલુરૂ, તા. 21 માર્ચ 2022, સોમવાર : રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં પોતાનો જીવ ગુમાવનારા ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાનો મૃતદેહ ગત રાત્રિએ બેંગાલુરૂ લવાયો હતો.ઉલ્લેખનીય છે કે, રશિયન હુમલામાં નવીનનું મોત થયું હતું.ત્યાર બાદ તેના મૃતદેહને ભારત લાવવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા હતા.વડાપ્રધાન મોદીએ પણ તાજેતરની બેઠકમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે,નવીનના મૃતદેહને તેના વતન લાવવા માટે તમામ સંભવિત પ્રયત્નો કરવામાં આવે.
મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ આજે સવારે 09:00 વાગ્યે બેંગાલુરૂથી નવીનના પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે રવાના થયા હતા.21 વર્ષીય મૃતક નવીનનું ઘર કર્ણાટકના હાવેરી જિલ્લામાં આવેલું છે. મુખ્યમંત્રી બોમ્મઈએ નવીનના મૃતદેહને ભારત પરત લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.
નવીન ખારકીવ ખાતે મેડિકલનો અભ્યાસ કરી રહ્યો હતો.તેના મિત્રોના કહેવા પ્રમાણે તે સવારે ખાવાનું અને જરૂરી સામાન લેવા માટે બંકરની બહાર નીકળ્યો હતો અને તે સમયે હુમલામાં તેનું મોત થયું હતું.
નવીનના મિત્ર શ્રીકાંતે જણાવ્યું કે,તે અને નવીન બંને ક્લાસમેટ હતા.તેઓ છેલ્લા કેટલાક દિવસોથી ખારકીવમાં એક બંકરમાં રહેતા હતા.શ્રીકાંતના કહેવા પ્રમાણે નવીન 1 માર્ચના રોજ સવારે કેટલોક સામાન લેવા માટે બંકરની બહાર નીકળ્યો હતો.ખારકીવમાં બપોરના 03:00થી સાંજના 06:00 વાગ્યા સુધી કર્ફ્યુ હતો.તે સવારે 06:00 વાગ્યા બાદ જરૂરી સામાન લેવા માટે નીકળ્યો હતો અને તે સમયે બાકીના સૌ સૂઈ રહ્યા હતા.નવીને બહાર જતી વખતે તેમને કશું નહોતું કહ્યું.
આ તરફ વડાપ્રધાન મોદીએ આશરે 7 દિવસ પહેલા રશિયા-યુક્રેનની સ્થિતિ મામલે એક હાઈ લેવલની બેઠક યોજી હતી.તેમાં વડાપ્રધાને નવીનના મૃતદેહને ભારત લાવવા માટે તમામ સંભવિત પ્રયત્નો કરવાનો આદેશ આપ્યો હતો.