ભારત-ઓસ્ટ્રેલિયા શિખર સંમેલનનો પ્રારંભ, PM મોદીએ કહ્યું- દબાણનો સામનો કરી રહ્યું છે અમારૂં ક્ષેત્ર

357

નવી દિલ્હી, તા. 21 માર્ચ 2022, સોમવાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન દ્વીતીય ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં સામેલ થયા હતા.આ બેઠક પહેલા ઓસ્ટ્રેલિયાએ ભારતને પુરાતત્વ મહત્વ ધરાવતી 29 બહુમૂલ્ય વસ્તુઓ પરત આપી છે.વડાપ્રધાન મોદીએ સોમવારે આ વસ્તુઓનું અવલોકન કર્યું હતું.તેમાં ભગવાન શિવ,વિષ્ણુ અને દેવી શક્તિની પ્રતિમાઓ તથા જૈન પરંપરાની મૂર્તિઓ અને સજાવટની વસ્તુઓનો સમાવેશ થાય છે.આ 29 પુરાવશેષોને વિષય પ્રમાણે 6 શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે.PMOએ ટ્વિટમાં લખ્યું હતું કે,આ 29 પુરાવશેષોમાં મુખ્યત્વે બલુઆ પથ્થર,સંગેમરમર,કાંસ્ય અને પિત્તળની મૂર્તિઓ અને પેઈન્ટિંગનો સમાવેશ થાય છે.તે રાજસ્થાન,ગુજરાત,મધ્ય પ્રદેશ,ઉત્તર પ્રદેશ,તમિલનાડુ,તેલંગાણા અને પશ્ચિમ બંગાળ સાથે સંકળાયેલી છે.

સંમેલનને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘અમારૂં ક્ષેત્ર વધી રહેલા પરિવર્તન અને અતિ દબાણનો સામનો કરી રહ્યું છે તથા મને લાગે છે કે,આપણા ક્વાડ લીડર્સ કોલે તાજેતરમાં જ અમને રશિયાના યુક્રેન પરના ગેરકાયદેસર આક્રમણ અંગે ચર્ચા કરવાનો અવસર આપ્યો છે.સાથે જ તેણે અમને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં અમારા પોતાના ક્ષેત્ર પર તે ભયાનક ઘટનાની અસર અને પરિણામો,અમારા સામે જે મુદ્દા સર્જાશે તે અંગે ચર્ચા કરવાનો પણ અવસર આપ્યો છે.’

વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનને જણાવ્યું કે, ‘છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા સંબંધોમાં ઉલ્લેખનીય પ્રગતિ થઈ છે.વ્યાપાર અને રોકાણ,સંરક્ષણ અને સુરક્ષા,શિક્ષણ અને નવીનીકરણ,વિજ્ઞાન અને ટેક્નોલોજી આ તમામ ક્ષેત્રે આપણો કરીબી સહયોગ છે.બીજા અનેક ક્ષેત્રો જેમ કે,મહત્વના ખનીજ,જળ પ્રબંધન,પુનઃપ્રાપ્ય ઊર્જા અને કોવિડ-19 રિસર્ચમાં આપણો સહયોગ પણ ઝડપથી વધ્યો છે.બેંગાલુરૂ ખાતે સેન્ટર ઓફ એક્સીલેન્સ ફોર ક્રિટિકલ એન્ડ ઈમરજિંગ ટેક્નોલોજી પોલિસીની સ્થાપના અંગેની જાહેરાતનું હું સ્વાગત કરૂં છું.’

આ સાથે જ વડાપ્રધાન મોદીએ પ્રાચીન ભારતીય કલાકૃતિઓ પરત કરવાની પહેલ માટે વિશેષ આભાર પણ માન્યો હતો.તેમાં રાજસ્થાન,પશ્ચિમ બંગાળ,ગુજરાત,હિમાચલ પ્રદેશ સાથે અન્ય કેટલાય ભારતીય રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે મેળવવામાં આવેલી સેંકડો વર્ષ જૂની મૂર્તિઓ અને ચિત્રનો સમાવેશ થાય છે.

આ તરફ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું કે,તેઓ યુરોપની ભયાનક સ્થિતિથી વ્યથિત છે.જોકે તેમનું ધ્યાન હિંદ-પ્રશાંત ક્ષેત્ર પર વધારે છે.

Share Now