દિલ્હીથી દોહા જતી ફ્લાઈટનું કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ

377

– વિમાનના એન્જિનમાં ધુમાડો દેખાયો હતો,તપાસ શરૂ
– કતાર એરલાઈન્સના વિમાનમાં સવાર 283 પેસેન્જર્સને બીજી ફ્લાઈટમાં દોહા રવાના કરાયા

કરાચી : દિલ્હીથી દોહા જતા પેસેન્જર વિમાનનું કરાચીના એરપોર્ટમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.વિમાનમાં ટેકનિકલ ગરબડ જણાઈ હતી.એન્જિનમાંથી ધુમાડો નીકળતો હોવાનું પાયલટે નોંધ્યું હતું એ પછી તુરંત કરાચી એરપોર્ટમાં લેન્ડિંગનો નિર્ણય લેવાયો હતો.

પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીના પ્રવક્તા સૈફુર રહેમાને એક નિવેદનમાં કહ્યું હતું કે દિલ્હીથી દોહા જતી ફ્લાઈટનું પાકિસ્તાનના કરાચી એરપોર્ટમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું.કતાર એરલાઈન્સની આ ફ્લાઈટમાં ૨૮૩ મુસાફરો સવાર હતા.વિમાનના કાર્ગોમાંથી ધુમાડો નીકળ્યો હતો,તેના કારણે તાત્કાલિક લેન્ડિંગનો નિર્ણય લેવામાં આવ્યો હતો.કરાચી એરલાઈન્સે થોડી વાર માટે તમામ એરલાઈન્સને અટકાવી રાખી હતી અને દિલ્હીથી દોહા જતી ફ્લાઈટને લીલી ઝંડી આપીને લેન્ડિંગ કરાવ્યંમ હતું.એ પછી તુરંત વિમાનનું પ્રાથમિક પરીક્ષણ પણ હાથ ધરાયું હતું.ત્યારબાદ અન્ય વિમાનોને રાબેતા મુજબ રવાના કરાયા હોવાનું પાક.એરપોર્ટ ઓથોરિટીના પ્રવક્તાએ કહ્યું હતું.કરાચી એરપોર્ટેથી કતાર એરલાઈન્સની જ અન્ય ફ્લાઈટમાં તમામ ૨૮૩ મુસાફરોને દોહા માટે રવાના કરાયા હતા.આ ઘટનાની તપાસ હાથ ધરાઈ હતી.કતાર એરલાઈન્સે એક નિવેદનમાં મુસાફરોને મુશ્કેલી પડી તે બદલ માફી માગી હતી.

મુસાફરોએ ટ્વિટરમાં એરલાઈન્સના વલણ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી.કેટલાક મુસાફરોએ લખ્યું હતું કે કરાચી એરપોર્ટ પર કતાર એરલાઈન્સનો એક પણ પ્રતિનિધિ હાજર રહ્યો ન હતો.એટલું જ નહીં, તેમને ચા-નાસ્તાની વ્યવસ્થા પણ કરી ન હતી.જોકે,પછીથી કરાચી એરપોર્ટ ઓથોરિટીએ તમામ મુસાફરો માટે નાસ્તાની વ્યવસ્થા કરી હોવાનું પણ કહેવાયું હતું.

Share Now