મારિયુપોલમાં સરેન્ડર કરી દેવાના રશિયાના પ્રસ્તાવને યુક્રેને ફગાવ્યો

165

– રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બાઈડન પોલેન્ડની મુલાકાતે જશે
– યુક્રેનના ચેર્નોબિલ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં રેડિએટર મોનિટર બંધ પડયું,સૂમીના કેમિકલ પ્લાન્ટમાં એમોનિયા લીક થતાં દોડધામ
– રશિયાએ નાગરિકોની હત્યા કરી હોવાથી યુદ્ધગુનેગાર છે,પરંતુ નવા પ્રતિબંધો મૂકવાનો નિર્ણય બિનઅસરકારક સાબિત થશે : યુરોપિયન સંઘ

કીવ : રશિયાએ યુક્રેનના લશ્કર સમક્ષ મારિયોપોલમાં આત્મસમર્પણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો,પરંતુ યુક્રેને એને ફગાવી દઈને યુદ્ધ ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.યુક્રેનના ઉપવડાપ્રધાને કહ્યું હતું કે આત્મસમર્પણ કરવાનો કોઈ જ સવાલ ઉઠતો નથી.મારિયોપોલની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.આ શહેરના અસંખ્ય લોકો માર્યા ગયા છે અને બાકીના લોકો ભૂખે મરી રહ્યા છે.

મારિયોપોલમાં યુક્રેનની સેના સરેન્ડર કરી દે એવો પ્રસ્તાવ રશિયાએ આપ્યો હતો.જોકે,એ પ્રસ્તાવને યુક્રેનના ઉપવડાપ્રધાન ઉપરાંત મારિયોપોલના મેયરે ફગાવી દીધો હતો.રશિયાના કર્નલ જનરલ મિખાઈલ મિઝિન્ટસેવે યુક્રેન સમક્ષ મારિયોપોલમાં આત્મસમર્પણ કરી દેવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.તેના જવાબમાં યુક્રેનની પ્રતિક્રિયા આવી હતી.

યુક્રેનના પાટનગર કીવ ઉપરાંત મારિયોપોલ સહિતના કેટલાય સ્થળોએ રશિયાએ મિસાઈલ હુમલા ચાલુ રાખ્યા હતા.આ હુમલાઓમાં શોપિંગ મોલ સહિતની કેટલીય ઈમારતો તબાહ થઈ ગઈ હતી અને છ લોકોનાં મોત થયા હોવાનો દાવો કરાયો હતો.યુદ્ધના ૨૬મા દિવસે પણ યુક્રેને લડત આપવાનું ચાલુ રાખ્યું હતું.

યુક્રેનના ચેર્નોબિલ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં રેડિએટર મોનિટર બંધ પડી ગયું હોવાનું યુક્રેનના અધિકારીઓએ કહ્યું હતું. ૧૯૮૬થી કાર્યરત આ સ્થળને બંધ કરવાની નોબત આવી છે.યુક્રેનની ન્યૂક્લિયર રેગ્યુલેટરી એજન્સીના કહેવા પ્રમાણે આખા પ્રાંતમાં કોઈ જ ફાયરફાઈટર્સ ઉપલબ્ધ ન હોવાથી સાઈટને ફરી ચાલુ કરવાનું કામ શક્ય નથી.દરમિયાન યુક્રેનના સૂમીમાં આવેલા કેમિકલ પ્લાન્ટમાંથી એમોનિયા લીક થયાનું પણ નોંધાયું હતું.પાંચ કિલોમીટરના વિસ્તારમાં એમોનિયાનો ફેલાવો થયો હતો.જોકે,લીકેજના કારણે અંગે સૂમીના ગવર્નરે કોઈ જ માહિતી આપી ન હતી.

રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે અમેરિકાના પ્રમુખ જો બાઈડન પોલેન્ડની મુલાકાત કરશે.વ્હાઈટ હાઉસના એક સત્તાવાર નિવેદન પ્રમાણે બાઈડન પોલેન્ડમાં રોકાઈને નાટોના સભ્ય દેશો સાથે વાર્તાલાપ કરશે. ફ્રાન્સના પ્રમુખ મેક્રોં,જર્મનીના ચાન્સલર ઓલાફ શોલાઝ,બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન,ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રાઘી વગેરેની બાઈડન સાથે પોલેન્ડમાં મીટિંગ થાય એવી પણ શક્યતા છે. બાઈડનની આ યુરોપ મુલાકાત રશિયા-યુક્રેનના યુદ્ધ માટે ખૂબ જ મહત્વની ગણાઈ રહી છે.બાઈડન પોલેન્ડની મુલાકાત પછી મહત્વની જાહેરાતો કરે એવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે.

દરમિયાન યુરોપિયન સંઘે રશિયાને યુદ્ધગુનેગાર ગણાવ્યું હતું.યુરોપિયન સંઘના વિદેશનીતિના વડા જોસેફ બોરેલે કહ્યું હતું કે રશિયાએ મારિયોપોલમાં નાગરિકોની હત્યા કરી તે વોર ક્રાઈમ છે.દરેક યુદ્ધના નિયમો હોય છે અને રશિયા એ નિયમોનું પાલન કરતું નથી,પરંતુ હવે નવા નિયમો લાગુ પાડવાનો કોઈ અર્થ ન હોવાથી નવા નિયમો લાગુ પડાશે નહીં.

તૂર્કી અને ઈઝરાયેલે બંને દેશો વચ્ચે સૂલેહ કરાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.તૂર્કીના વિદેશ મંત્રી કાવુસોલગુએ જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન વચ્ચે સમજૂતીની ભૂમિકા બનતી હોય એવું લાગે છે.ટૂંક સમયમાં યુદ્ધવિરામ થઈ જશે.બીજી તરફ ઈઝરાયેલના વડાપ્રધાન બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરવાની શક્યતા હોવાનું જણાવ્યું હતું.

Share Now