નવી દિલ્હી, તા. 22 માર્ચ 2022, મંગળવાર : કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે.ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ રહ્યો છે.લાખો લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે અને કરોડો લોકો સમક્રમિત થયા છે.કોરોના એક વાર ફરીથી વિશ્વના અલગ-અલગ ભાગોમાં પોતાનું માથું ઉચકી રહ્યો છે.યુરોપમાં દૈનિક લાખો કેસ નોંધાય રહ્યા છે.ચીનના કેટલાક શહેરો અને રાજ્યોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.હોંગકોંગમાં પણ લાખો કેસ નોંધાય રહ્યા છે તો દક્ષિણ કોરિયામાં પણ 4-5 લાખ કેસ નોંધાય રહ્યા છે પરંતુ આટલી મોટી સમસ્યા અત્યારે ભારતમાં આવે તેમ લાગતું નથી.આનું કારણ ભારતમાં મોટા પાયે થયેલું રસીકરણ છે.
કોરોનાની ચોથી લહેરની વધુ અસર નહીં થાય
નિષ્ણાંતોએ જણાવ્યું છે કે,કોવિડ-19ના મામલાઓમાં ભારતમાં કોરોના મહામારીની નવી લહેર આવશે તો પણ તેની વધારે અસર નહીં થાય,એવો દાવો દેશના વિવિધ તબીબી નિષ્ણાતોએ કર્યો છે.એવું સૂચન પણ આપ્યું કે,હવે માસ્કની અનિવાર્યતામાંથી છૂટ આપવા માટે પણ સરકારે વિચાર કરવો જોઈએ.તેઓએ આનું કારણ વ્યાપક રસીકરણ અને પ્રાકૃતિક સંક્રમણથી બનેલી રોગપ્રતિકારક શક્તિ બતાવી છે.તમને જણાવી દઈએ કે,રવિવારે ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના માત્ર 1761 નવા કેસ નોંધાયા હતા.આ આંકડા છેલ્લા 688 દિવસોમાં સૌથી ઓછા છે.જોકે,આ દરમિયાન 127 લોકોના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા છે.હાલમાં 26,240 કેસ હજુ પણ સક્રિય છે, જે ઝડપથી ઘટવાની અપેક્ષા છે.
ફરજિયાત માસ્કમાંથી રાહત આપો
ડો.સંજય રાય એઈમ્સમાં મહામારીના વરિષ્ઠ રોગ નિષ્ણાત છે.તેમણે કહ્યું કે,કોરોના વાયરસના હજારો મ્યૂટેશન થઈ ચૂક્યા છે જેમાંથી 5 વેરિએન્ટ ખૂબ જ ખતરનાક હતા.જેણે આખી દુનિયા પર અસર કરી છે.ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર એટલી ઝડપથી આવી કે,તેને સંભાળવાનો મોકો જ નહતો મળ્યો.જોકે,તે દરમિયાન દેશના 90%થી વધારે લોકોની હર્ડ ઈમ્યુનિટિ બની ગઈ હતી.તેના કારણે લોકોમાં એન્ટીબોડી બની અને હવે તેઓે પહેલા કરતા વધુ તૈયાર છે.આવી સ્થિતિમાં,ભારતમાં લોકો કુદરતી રીતે કોરોના વાયરસ સામે લડવા માટે તૈયાર છે.આ ઉપરાંત,સમગ્ર દેશમાં વ્યાપક રસીકરણ કરવામાં આવ્યું હતું અને તેનાથી લોકોની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થઈ છે.ડો. સંજય રાયે કહ્યું કે,હાલમાં ભારતમાં કોરોનાની ગંભીર લહેર આવવાની શક્યતા ઓછી છે તો સરકારે ફરજિયાત માસ્કમાંથી રાહત આપવી જોઈએ.
સુભાષ સાલુંખેએ જણાવ્યું હતું કે,ડિસેમ્બર 2021થી ફેબ્રુઆરી 2022ની વચ્ચે કોરોનાની ત્રીજી લહેરમાં ભારતના મોટાભાગના લોકોની ઈમ્યુનિટિ ઘણી મજબૂત થઈ ગઈ છે.ભારતના ઘણા રાજ્યોમાં રસીકરણનો દર પણ ઝડપી છે તેથી વધુ ચિંતા કરવા જેવું નથી.જો કે,આપણે બેદરકાર ન રહેવું જોઈએ કારણ કે,વિશ્વના ઘણા દેશોની જેમ ચોથી લહેર ભારતમાં પણ આવી શકે છે.