કૃત્રિમ ટાપુઓનું સૈન્યીકરણ અમારો અધિકાર : ચીનનો દાવો

172

બેઈજિંગ : દક્ષિણ ચીન સમુદ્રમાં કૃત્રિમ ટાપુ વિકસાવવાનો અને તેના સૈન્યીકરણનો તેને અધિકાર છે તેમ ચીને મંગળવારે જણાવ્યું હતું.ચીને સમુદ્રમાં બનાવેલા કેટલાક કૃત્રિમ ટાપુઓમાંથી ત્રણનું સંપૂર્ણપણે સૈન્યીકરણ કરીને અગાઉની કટીબદ્ધતાઓનો ભંગ કર્યો છે તેવા અમેરિકાના આક્ષેપોના જવાબમાં ચીને આ ટાપુઓ પર પોતાનો અધિકાર વ્યક્ત કર્યો હતો.વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને જણાવ્યું હતું કે,પોતાના પ્રદેશ પર જરૂરી રાષ્ટ્રીય સંરક્ષણ સુવિધાઓ ગોઠવવી એ પ્રત્યેક સ્વાયત્ત રાષ્ટ્રનો અધિકાર છે અને તે આંતરરાષ્ટ્રીય કાયદાઓને અનુરૂપ છે.આ વિસ્તારમાં અમેરિકાની પ્રવૃત્તિઓ સમસ્યા ઊભી કરે છે અને ઉશ્કેરણીજનક છે.અમેરિકા દક્ષિણ ચીન સમુદ્રમાં સલામત નેવીગેશનમાં અવરોધો ઊભા કરે છે અને દરિયાકાંઠાના દેશોની સ્વાયત્તતા અને સલામતી પર ગંભીર જોખમ ઊભું કરે છે.અમેરિકાના હિન્દ-પ્રશાંત ક્ષેત્રના કમાન્ડર એડમ જ્હોન સી એક્વિલિનોએ જણાવ્યું હતું કે,ચીને ત્રણ કૃત્રિમ ટાપુઓ પર એન્ટી-શીપ,એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ સિસ્ટમ,લેસર અને જામિંગ ઈક્વિપમેન્ટ ઈન્સ્ટોલ કરીને સમુદ્ર કિનારાના બધા જ દેશોને ધમકીઓ આપી રહ્યું છે.

Share Now