– સત્તાધારી પક્ષ ટીએમસીના સમર્થકોએ આતંક મચાવ્યો
– વીરભૂમિ જિલ્લાના એક ગામના ઉપ પ્રમુખની હત્યાથી તંગદિલી વધી,મોટા પ્રમાણમાં પોલીસ તૈનાત કરાઇ
– ઉપ પ્રમુખની હત્યાનો આરોપ લગાવી ટોળા દ્વારા ઘરોને સળગાવાયા,11થી વધુ લોકોની ધરપકડ
કોલકાતા : પશ્ચિમ બંગાળના બિરભૂમી જિલ્લાના રામપુરહાટ વિસ્તારમાં સત્તાધારી પક્ષ તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ની સત્તા ધરાવતા બરશલ ગ્રામ પંચાયતના ઉપ પ્રમુખ ભાદુ શેખની સોમવારે સાંજે હત્યા કરી દેવામાં આવી હતી.જેને પગલે તેમના સમર્થકો વિફર્યા હતા અને ભીડ દ્વારા થયેલી હિંસાએ એક વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું.ઘટનાથી ગુસ્સે ભરાયેલા ટીએમસી સમર્થકોએ થોડા જ કલાકો બાદ ઉપ પ્રમુખની હત્યાના શંકાસ્પદોના ઘરોને આગ લગાવી દીધી હતી,જેમાં ૧૦ લોકોના મોત નિપજ્યા હતા.
પહેલા ઉપ પ્રમુખની હત્યા થઇ બાદમાં તેનાથી નારાજ ટીએમસી સમર્થકોએ આરોપીઓના ઘરોને સળગાવી દેતા ૧૦ લોકોના મોત નિપજ્યા હતા.જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદીલીનો માહોલ છે.અને મોટા પ્રમાણમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.જ્યારે બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડેએ આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી હતી અને બન્ને હત્યાઓના આરોપીઓની સામે આકરા પગલા લેવાની માગણી કરી હતી.જ્યારે પશ્ચિમ બંગાળના ડીજીપી મનોજ માલવીયાએ કહ્યું હતું કે તૃણમુલના ઉપ પ્રમુખ બહાદુર શેખની ગઇ રાત્રે હત્યા થઇ ગઇ હતી,જેના એક કલાક બાદ સાતથી આઠ ઘરોમાં આગ લગાવી દેવામાં આવી હતી જેમાં બાળકો સહિત કુલ ૧૦ લોકો માર્યા ગયા હતા.જ્યારે પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનામાં કુલ ૧૧ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસનો દાવો છે કે રાજકીય કાવતરાના ભાગરુપે આ હત્યાઓને અંજામ આપવામાં આવ્યો છે.
એક જ મકાનમાંથી સાત લોકોના મૃતદેહ મળી આવ્યા છે.આ પહેલા ગ્રામ પંચાયતના ઉપ પ્રમુખ ભાદુુ શેખ પર બોમ્બથી હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી.તેમના મોતની જાણકારી આગની જેમ ફેલાઇ ગઇ હતી.અને વિફરેલા સમર્થકોના ટોળાએ ઘરોને આગ લગાવી દીધી હતી. અચાનક જાગી ઉઠેલી તૃણમુલ કોંગ્રેસે સમગ્ર ઘટનાની જાણકારી લેવા માટે રાજ્યના મંત્રી ફિરહાદ હકીમની આગેવાનીમાં પક્ષના ત્રણ ધારાસભ્યોનું પ્રતિનિધિ મંડળ સ્થિતિની જાણકારી મેળવવા માટે રવાના કરાયું હતું,જ્યારે સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણમાં પોલીસ તૈનાત કરી દેવાઇ છે.સ્થિતિ હાલ કાબુ બહાર જાય તેવી ભીતિને પગલે સુરક્ષા વધારી દેવામાં આવી છે.જ્યારે ભાજપે ઘટનાની નિંદા કરી હતી અને સત્તાધારી પક્ષ ટીએમસીને આડેહાથ લીધો હતો.