રશિયા યુક્રેન પર કેમિકલ હુમલો કરે તેવી આશંકા : અમેરિકાની ચેતવણી

148

– કીવના પરાં વિસ્તારો પર યુક્રેનનો કબજો,મારિયુપોલ માટે લડાઈ તીવ્ર બની
– નાટોમાં જોડાવાની માગણી પડતી મુકવા સાથે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીની પુતિન સાથે ફરી વાટાઘાટોની વિનંતી

નવી દિલ્હી : યુક્રેન પર રશિયાના આક્રમણને લગભગ એક મહિનો પૂરો થવા આવ્યો છે.આ સમયમાં રશિયાએ યુક્રેન પર હાઈપરસોનિક મિસાઈલથી હુમલા કર્યા છે.પરંતુ તે આ યુદ્ધ જીતવામાં સફળ થયું નથી. ઉલટાનું યુક્રેને કીવનાં પરાં વિસ્તારો પર ફરી કબજો જમાવ્યો છે જ્યારે મારીયુપોલમાં આત્મસમર્પણ કરવાની રશિયાની દરખાસ્ત યુક્રેને ફગાવી દીધી છે.ઉપરાંત આ યુદ્ધમાં રશિયાએ ભારે ખુવારીનો સામનો કરવો પડયો છે.પરિણામે રશિયા યુક્રેન પર કેમિકલ હથિયારોથી હુમલો કરે તેવી આશંકા છે તેવી અમેરિકાએ ચેતવણી આપી છે.

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચોથા સપ્તાહમાં પ્રવેશ્યું છે.આ સમયમાં રશિયાએ યુક્રેન પર હાઈપરસોનિક મિસાઈલથી લઈને અન્ય હથિયારોથી હુમલા કર્યા છે.આ હુમલામાં યુક્રેનના અનેક શહેરોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.મારિયુપોલ સહિતના શહેરો કાટમાળમાં ફેરવાઈ ગયા છે.આમ છતાં યુક્રેને રશિયા સામે ઘૂંટણીયા ટેકવાનો ઈનકાર કરી દીધો છે.સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યું હતું કે યુક્રેનમાં શરણાર્થીઓની સંખ્યા ૩૫ લાખને પાર થઈ ગઈ છે.

યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે યુક્રેન તેની ક્ષેત્રીય અખંડતા અને સંપ્રભુતા સાથે ક્યારેય સમજૂતી નહીં કરે.આખું યુક્રેન ખતમ થઈ જશે ત્યાર પછી જ રશિયાનું અલ્ટીમેટમ પૂરું થઈ શકે છે.

જોકે, ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયા યુક્રેનની સલામતીની ખાતરી આપે અને સૈનિકોને પાછા ખેંચે તો તેઓ વાટાઘાટો માટે તૈયાર છે.તેઓ નાટોમાં જોડાવા મુદ્દે દેશવાસીઓ,પશ્ચિમના દેશો માટે સમાધાન કરવા તૈયાર છે.તેમણે પુતિન સાથે સીધી વાતચીતનું પુનરાવર્તન કહ્યું કે,તેઓ નાટોમાં જોડાવાની માગણી પડતી મુકી શકે છે.

દરમિયાન અમેરિકન પ્રમુખ બાઈડેને રશિયા-યુક્રેન યુદ્ધમાં તટસ્થ વલણ અપનાવનારા ભારતની ટીકા કરી હતી.તેમણે કહ્યું કે,ભારત સિવાય બધા જ સહયોગી દેશો અમેરિકાની સાથે છે.રશિયા પર પશ્ચિમી દેશોના પ્રતિબંધોનું બધા જ સહયોગી દેશોએ સમર્થન કર્યું છે.યુક્રેન અને રશિયાના યુદ્ધ મુદ્દે ક્વાડ સંગઠનના બધા જ સહયોગી દેશો અમેરિકાની સાથે છે.માત્ર ભારતનું વલણ અલગ છે.ક્વાડ બેઠકમાં પણ અમેરિકા,ઓસ્ટ્રેલિયા અને જાપાને યુક્રેન પર હુમલા બદલ રશિયાની આકરી ટીકા કરી હતી જ્યારે વડાપ્રધાન મોદીએ બંને પક્ષોને વાતચીતથી વિવાદનો ઉકેલ લાવવા અપીલ કરી હતી.બાઈડેને કહ્યું કે ક્વાડના સહયોગી દેશોમાં ભારત એકમાત્ર એવો દેશ છે,જેણે અમેરિકાનો પક્ષ નથી લીધો.ભારતે રશિયા પરના પ્રતિબંધોને અયોગ્ય ગણાવ્યા છે.

Share Now