નવી દિલ્હી, તા. 23 માર્ચ 2022, બુધવાર : ભ્રામક પ્રચાર કરીને પોતાને સમગ્ર વિશ્વના ડેન્ટિસ્ટ્સ દ્વારા સૂચવવામાં આવેલી વિશ્વની નંબર-1 સેન્સિટિવિટી ટૂથપેસ્ટ ગણાવનારી સેન્સોડાઈન ટૂથપેસ્ટ પર કેન્દ્રીય ઉપભોક્તા સંરક્ષણ પ્રાધિકરણ (CCPA)એ 10 લાખનો દંડ ફટકાર્યો છે.કંપનીને 7 દિવસની અંદર ટીવી, OTT, યુટ્યુબ,સોશિયલ મીડિયા વગેરે તમામ માધ્યમો પરથી આ વિજ્ઞાપન હટાવી લેવા માટે કહેવામાં આવ્યું છે.મંગળવારે બહાર પાડવામાં આવેલી સૂચનામાં કહેવામાં આવ્યું હતું કે,સેન્સોડાઈન કંપનીએ ઉપભોક્તાઓને ભ્રામક વિજ્ઞાપન આપ્યા.અગાઉ 09 ફેબ્રુઆરીના રોજ પણ સેન્સોડાઈનને વિદેશી ડેન્ટિસ્ટ દ્વારા પ્રચાર કરાવાઈ રહેલા વિજ્ઞાપન રોકવા માટે કહેવામાં આવ્યું હતું. CCPA પ્રમુખ નિધિ ખરેએ જણાવ્યું કે,સેન્સોડાઈનના ઉત્પાદનો પર સ્વતઃ સંજ્ઞાન લઈને તાજેતરની આ કાર્યવાહી કરવામાં આવી છે.આ વિજ્ઞાપનોના અનુસાર બ્રિટન સહિત વિશ્વના અન્ય દેશના ડેન્ટિસ્ટ્સે સેન્સોડાઈન રેપિડ રિલીફ અને સેન્સોડાઈન ફ્રેશ જેલને દાંતની સેન્સિટિવિટી માટે ઉપયોગ કરવાની ભલામણ કરી છે.
ખોટો દાવો
પોતાના બચાવમાં કંપનીએ 2 માર્કેટ સર્વે રજૂ કર્યા હતા.તપાસમાં સામે આવ્યું કે,આ સર્વે ભારતમાં ડેન્ટિસ્ટ્સ પર થયા હતા જેના આધાર પર તેને વિદેશી ડેન્ટિસ્ટ્સનું મંતવ્ય જાહેર કરવામાં આવ્યું હતું. CCPAએ સ્વીકાર્યું કે,કંપની પોતાના દાવાની પૃષ્ટિ માટે કોઈ નક્કર અભ્યાસ કે સામગ્રી નથી આપી શકી.
13 કંપનીઓએ વિજ્ઞાપન રોક્યા
CCPAના આકરા પગલાં બાદ અત્યાર સુધીમાં 13 કંપનીઓએ ભ્રામક વિજ્ઞાપનો રોક્યા છે.જ્યારે અન્ય 3 કંપનીએ પોતાના વિજ્ઞાપનમાં સુધારો કર્યો છે.
60 સેકન્ડમાં આરામની તપાસ
સેન્સોડાઈન દ્વારા એવો દાવો પણ કરવામાં આવે છે કે,ચિકિત્સકોએ તેમની પ્રોડક્ટથી 60 સેકન્ડમાં આરામની પૃષ્ટિ કરી છે. CCPAએ ભારતના ઔષધિ મહાનિયંત્રક અને કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠનને તપાસ માટે કહ્યું છે.સંગઠને કંપનીને કોસ્મેટિક લાઈસન્સ જાહેર કરનારા પોતાના સિલવાસા સ્થિત સહાયક ઔષધિ નિયંત્રક પાસે તપાસ શરૂ કરાવી હતી જે હજુ ચાલુ છે.