2 અબજની રોકડ લઈને ભાગી રહી હતી નેતાની પત્ની, બોર્ડર પર ઝડપાઈ

399

નવી દિલ્હી, તા. 23 માર્ચ 2022, બુધવાર : રશિયન હુમલાના કારણે લોકો યુક્રેન છોડીને યુરોપિયન દેશોમાં શરણ લેવા મજબૂર થયા છે.આ દરમિયાન હંગરીના રિફ્યૂઝી બોર્ડર પર એક ગ્લેમરસ મહીલા પહોંચી હતી.તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તે પોતાની સાથે સૂટકેશમાં 2.2 અબજ રૂપિયાથી વધારે કિંમતમાં કેશ ભરીને ત્યાં પહોંચી હતી. મહત્વની વાત એ છે કે, આ મહીલા યુક્રેનના એક મોટા ટાઈકૂન અને રાજકારણીની પત્ની છે.

એક અહેવાલ પ્રમાણે આ પૈસા અમેરીકી ડોલર અને યુરોમાં છે. તેમને હંગરીના એક કસ્ટમ ડિપાર્ટમેન્ટે પકડી છે.આ પૈસા વિવાદમાં રહેલા યુક્રેનના પૂર્વ સંસદસભ્ય ઈગોર કોટવિટસ્કીની પત્ની અનાસ્તાસિયા કોટવિટસ્કાના સામાન સાથે મળી આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર તેનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે તો બીજી તરફ યુક્રેનની સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે પૂર્વ સાંસદની પત્ની સામે ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, એક સમયે કોટવિટસ્કી યુક્રેનના સૌથી અમીર સાંસદ હતા. જોકે, કોટવિટસ્કીએ પત્નીના સૂટકેસમાંથી રૂ. 2.2 અબજ રૂપિયા મળ્યાના અહેવાલોને ખોટો ગણાવ્યો હતો.તેમણે જણાવ્યું કે, તેમની પત્ની માતા બનવાની છે તેથી તે દેશ છોડીને જઈ રહી હતી.જોકે, તેમણે તેમની પત્ની પાસે 2 અબજના ડોલર અને યુરોની નોટ હોવાના અહેવાલને નકારી કાઢ્યો છે.કોટવિટસ્કીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, મારા બધા પૈસા યુક્રેનની બેંકોમાં જમા છે. મેં ત્યાંથી કંઈ પણ નથી કાઢ્યું ત્યારબાદ તેમણે પોતનું સોશિયલ મીડિયા અકાઉન્ટ બંધ કરી દીધું હતું.જોકે, આ મામલે અનાસ્તાસિયા તરફથી કોઈ સફાઈ નથી આપવામાં આવી.અહેવાલ પ્રમાણે તે હંગરીના બે શખ્સ અને પોતાની માતા સાથે મુસાફરી કરી રહી હતી.એક અહેવાલ પ્રમાણે અનાસ્તાસિયા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે યુક્રેનના વિલોક ચેક પોઈન્ટ પર તેની સાથેના પૈસાની માહિતી આપી ન હતી.પરંતુ હંગેરિયન કસ્ટમ અધિકારીઓને તેમની પાસેથી અબજો રૂપિયાનું ધન મળ્યું હતું.

Share Now