હૈદરાબાદ, તા. 24 માર્ચ 2022, ગુરૂવાર : પોતાના ફિટનેસ પ્રત્યે જાગૃત લોકો કે,જેઓ ઘરે ટ્રેડમિલ ખરીદવાનું અને ઈન્સ્ટોલ કરવાનું આયોજન કરતા હોય છે.તેવા લોકો તેલંગાણાના એક વ્યક્તિ દ્વારા ડિઝાઇન કરાયેલા તેના ઈકો-ફ્રેન્ડલી વિકલ્પ પર એક નજર કરી શકે છે.આ વ્યક્તિનો લાકડાની ટ્રેડમિલને ડિઝાઈન કરીને બનાવતા વીડિયો વાયરલ થયો છે.ત્યારબાદ,ઈન્ટરનેટ પર કેટલાક લોકો તેના વખાણ કરી રહ્યા છે.
તેમના નવતર પ્રયત્નથી રાજ્યના આઈટી મંત્રી કે.ટી.રામારાવનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.આ વ્યક્તિના નવતર પ્રયોગથી દંગ રહી ગયેલા કે.ટી.રામારાવે ટ્રેડમિલનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર રીટ્વીટ કર્યો છે.તેમણે રાજ્યના પ્રોટોટાઈપ સેન્ટર,ટી-વર્કસને પણ ટેગ કર્યું અને જેમાં તેમને આ વ્યક્તિને તેમની સાથે જોડવા અને આવી જ લાકડાની ટ્રેડમિલ બનાવવામાં મદદ કરવા વિનંતી કરવામાં આવી છે.
17 માર્ચે ટ્વિટર યુઝર અરુણ ભગવથુલાએ એક વીડિયો શેર કર્યો હતો અને વીડિયોને કેપ્શન આપ્યું હતું કે, ‘અદભુત ટ્રેડમિલ જે વીજળી વિના કામ કરે છે.’હજુ સુધી વાયરલ વીડિયોમાં દેખાતા વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવી નથી. 45 સેકન્ડનો આ વીડિયો ક્લિપ અત્યાર સુધીમાં 1,36,000થી વધુ વખત જોવામાં આવ્યો છે.વાયરલ થઈ રહેલા વિડિયોમાં,એક વ્યક્તિ ટ્રેડમિલ બનાવવા માટે તેની સુથારી કુશળતાનો ઉપયોગ કરતો જોઈ શકાય છે.વીડિયોમાં વ્યક્તિ સરળતાથી બતાવે છે કે આ ટ્રેડમિલ કેવી રીતે કામ કરે છે.તે લાકડાના હેન્ડલને પકડે છે અને પોતાના પગના ભાગો પર ચલાવે છે,જે કન્વેયર બેલ્ટની જેમ જોડાયેલા હોય છે.સૌથી મોટી વાત એ છે કે,લાકડાની ટ્રેડમિલ કોઈપણ વીજળીના ઉપયોગ વિના ચાલે છે.
વિડિયો વાયરલ થયો ત્યારથી સોશિયલ મીડિયા પર યુઝર્સ તેની કુશળતા અને સર્જનાત્મક વિચારસરણીથી પ્રભાવિત થયા હતા.એક યુઝરે આ ટ્રેડમિલને એક મહાન ઈનોવેશન ગણાવ્યું હતું,જ્યારે અન્ય લોકોએ આવી પ્રતિભાશાળી વ્યક્તિઓને વધુ મદદ આપવાની વાત કરી હતી.જોકે,કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે લાકડાની આ ટ્રેડમિલ સારી દેખાઈ શકે છે,પરંતુ તે મશીન તરીકે સારી રીતે કામ કરશે નહીં.કેટલાક યુઝર્સ એવા હતા જેમણે એવી પણ ટિપ્પણી કરી હતી કે,હૈદરાબાદમાં કેટલાક જીમમાં પહેલેથી જ ટ્રેડમિલ્સ ઈન્સ્ટોલ થઈ ગઈ છે જે વીજળી વિના કામ કરે છે.