24મી માર્ચ, 2022 ગુરૂવાર મુંબઈ : Zee vs Invesco Saga બોમ્બે હાઈકોર્ટમાં Zee Entertainment Enterprise (ZEE) સામે અપીલ જીત્યાના એક દિવસ પછી,Invesco ડેવલપિંગ માર્કેટ્સ ફંડે ઝીના બોર્ડની EGM બોલાવવાની નોટિસ પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે.આ નોટિસમાં ફંડ હાઉસે ઈજીએમ બોલાવીને ZEEના બોર્ડમાંથી MD અને CEO પુનિત ગોયેન્કાને હટાવવાની માંગ કરવામાં આવી હતી.
એક નિવેદનમાં ઝીના સૌથી મોટા શેરહોલ્ડર ઇન્વેસ્કોએ કહ્યું કે તેઓ ઝી-સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા (SPN)ના પ્રસ્તાવિત મર્જરને સમર્થન આપે છે.આ ડીલમાં ZEEના શેરધારકો માટે અનેક સંભાવનાઓ છે. ઇન્વેસ્કો ઝીમાં 18 ટકા હિસ્સો ધરાવે છે.
ફંડ હાઉસે કહ્યું કે અમારા મતે વર્તમાન ધારાધોરણો અનુસાર ડીલમાં સૌથી મોટો ફાયદો Zeeના શેરધારકોને જ થશે.મર્જર પછી નવી કંપનીના બોર્ડમાં નોંધપાત્ર ફેરફારો થશે,જે કંપનીના સંચાલનને મજબૂત બનાવશે તેથી અમારી 11 ડિસેમ્બર, 2021ની અમારી EGM બોલાવવાની માંગ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે.
શું છે નોટિસ અને EGMનો મામલો :
સપ્ટેમ્બર 2021માં ઇન્વેસ્કોએ ઝી બોર્ડ ઓફ ડિરેક્ટર્સને અસાધારણ સામાન્ય સભા (EGM) બોલાવવા અરજી કરી હતી.ઈજીએમ બોલાવવા માટેનું કારણ આપતા ઇન્વેસ્કોએ કહ્યું કે અમને નથી લાગતું કે કંપની સરળતાથી ચાલી રહી છે.કંપનીએ ઝીના બોર્ડમાંથી એમડી અને સીઈઓ પુનીત ગોયેન્કા સહિત ત્રણ ડિરેક્ટરોને દૂર કરવાની માંગ કરી હતી.
સામે પક્ષે ઝીએ આ અરજીનો જવાબ આપવાનો ઇનકાર કર્યો,ત્યારે ઇન્વેસ્કોએ મુંબઈમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) સમક્ષ અરજી દાખલ કરી હતો અને બેચે ઝીને કાયદા હેઠળ અરજી પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
એનસીએલટીના નિર્દેશ સામે ઝી હાઈકોર્ટમાં પહોંચી હતી.ઓક્ટોબર 2021માં જસ્ટિસ ગૌતમ પટેલની સિંગલ બેન્ચે EGM બોલાવવા પર રોક લગાવવાનો વચગાળાનો આદેશ આપ્યો હતો.
ત્યારબાદ ઇન્વેસ્કોએ વચગાળાના સ્ટે ઓર્ડર સામે અપીલ દાખલ કરી અને 22 માર્ચે બોમ્બે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ઈન્વેસ્કોની તરફેણમાં ચુકાદો આપતા ઈજીએમ બોલાવવાની ઈન્વેસ્કોની માંગને સ્વીકારી હતી.
Zeeના શેરમાં 20%નો હાઈ જમ્પ
ઝીના શેરમાં આ અહેવાલ બાદ ગુરૂવારના સવારના સત્રમાં 10%ના ઉછાળા સાથે શરૂઆત થઈ હતી અને 1 વાગે શેર 19%, 48 રૂપિયાના ઉછાળા સાથે 304 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.