પટના, તા. 24 માર્ચ 2022, ગુરૂવાર : બિહારની રાજધાની પટના ખાતેથી એક ખૂબ જ મોટી ઘટના સામે આવી છે.’બિહાર દિવસ’ કાર્યક્રમમાં સામેલ થવા માટે આવેલા 157 બાળકો ફુડ પોઈઝનિંગનો શિકાર બન્યા હતા.રાતે ભોજન કર્યા બાદ તમામ બાળકોની તબિયત લથડી હતી.ત્યાર બાદ તાત્કાલિક બાળકોને પટના સ્થિત PMCHમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર્સ અને અધિકારીઓના મોનિટરીંગમાં તેમની સારવાર ચાલી રહી છે.
તે સિવાય અન્ય બાળકોને ગાંધી મેદાન સ્થિત સ્વાસ્થ્ય શિબિરમાં સારવાર આપવામાં આવી હતી.જાણવા મળ્યા મુજબ બીમાર બાળકો પૈકીના અનેકની સ્થિતિ ખૂબ જ ગંભીર છે.ઉલ્લેખનીય છે કે,બિહારના વિભિન્ન જિલ્લાઓમાંથી આવેલા સેંકડો બાળકો બિહાર દિવસ કાર્યક્રમમાં સામેલ થયા હતા.આ ઘટના બાદ પ્રશાસનમાં ભારે હડકંપ મચ્યો છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારે 22 માર્ચના રોજ ‘બિહાર દિવસ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા.બિહાર દિવસ નિમિત્તે યોજાયેલા 3 દિવસીય કાર્યક્રમનો આજે સમાપન સમારંભ છે.