બારડોલી : સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં તરસાડી ગામની સીમમાં આવેલ એક ખેતરમાંથી એલસીબી પોલીસે 72 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક શખ્સને વોંટેડ જાહેર કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ મહુવા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેઓને ખાનગી રાહે બાતમી મળતા તેમણે તરસાડી ગામની સીમમાં આવેલ નટવરસિંહ અમરસિંહ દેસાઇના બ્લોક નંબર-255-અ વાળા શેરડીના ખેતરમાં રેડ કરી હતી. તે દરમ્યાન ખેતરમાંથી વિદેશી દારૂની કુલ 492 બોટલ કિંમત રૂ. 72,000 નો જથ્થો મળી આવ્યો હતો.ખેડૂતની જાણ બહાર બુટલેગરોએ રાત્રિ દરમ્યાન વિદેશી દારૂનો જથ્થો શેરડીના ખેતરમાં ઉતાર્યો હતો અને ત્યાંથી આ વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરવાની પેરવીમાં હતા પરંતુ પોલીસે બાતમી આધારે રેડ કરી આ જથ્થો ઝડપી પાડ્યો હતો અને આ ગુનામાં સંડોવાયેલ હેમંતભાઇ ઇશ્વરભાઇ પટેલ (રહે. તરસાડી ગામ કોળી સમાજની વાડીની બાજુમાં તા.મહુવા જી.સુરત) ને વોંટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.બુટલેગરો રાત્રિ દરમ્યાન તરસાડી,બમરોલી,ગોટાસા તેમજ ઇસરોલી સહિત અનેક ગામોના ગૌચરોમાં તેમજ શેરડીના ખેતરોમાં ખેડૂતોની જાણ બહાર મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઉતારી કાર્ટિંગ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.