IOC, BPCL, HPCLએ એક જ મહિનામાં રૂ. 19,000 કરોડનું નુકશાન

423

નવી દિલ્હી, તા.24 : આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવવધતા છતા પાંચ રાજ્યોમાં ચૂંટણીને પરિણામે માર્ચ મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ પણ વધારો ન કરતા દેશની ટોચની ઓઈલ માર્કેટિંગ કંપનીઓને 2.25 અબજ ડોલરનો ફટકો લાગ્યો છે

મૂડી’ઝના અહેવાલ અનુસાર માર્ચ મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળવા છતા સ્થાનિક ધોરણે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખતા ઈન્ડિયન ઓઈલ,બીપીસીએલ અને એચપીસીએલને કુલ 2.5 અબજ ડોલર એટલેકે 19,000 કરોડ રૂપિયાનું નુકશાન વેઠવું પડ્યું છે.

પાંચ રાજ્યોની ચૂંટણીને પરિણામે સરકારના દબાણ હેઠળ ભારતમાં 4થી નવેમ્બર,2021થી 21મી માર્ચ, 2022 સુધી ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો જ્યારે આ સમયગાળામાં ક્રૂડનો ભાવ 82 ડોલર પ્રતિ બેરલથી ઉંચકાઈને માર્ચના માત્ર ત્રણ સપ્તાહમાં જ ભાવ 111 ડોલરને પાર નીકળ્યાં છે.રશિયાએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરતા ક્રૂડ અને કુદરતી ગેસના ભાવ ભડકે બળ્યાં છે.

22મી અને 23મી માર્ચે 80-80 પૈસાના ભાવવધારા બાદ ત્રણેય ટોચની ઓએમસી કંપનીઓ ગુરૂવારે ફરી ભાવ સ્થિર રાખ્યાં હતા.

મૂડીઝે અહેવાલમાં જણાવ્યું કે “વર્તમાન બજાર કિંમતોના આધારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને હાલમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર બેરલ દીઠ અનુક્રમે આશરે 25 ડોલર (રૂ. 1900 થી વધુ) અને બેરલ દીઠ 24 ડોલરની આવક ગુમાવવી પડી રહી છે.”

જો ક્રૂડ ઓઈલની કિંમતો સરેરાશ 111 ડોલર પ્રતિ બેરલની આસપાસ સ્થિર રહે અને કંપની વધારાનો બોજો ગ્રાહકો પર ન ઢોળે તો ત્રણેય સરકારી કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર આશરે દૈનિક 500 કરોડનું સંયુક્ત નુકસાન વેઠવું પડશે.

“નવેમ્બર અને માર્ચના પ્રથમ ત્રણ અઠવાડિયા વચ્ચેના સરેરાશ વેચાણ વોલ્યુમને આધારે અમારા અંદાજ અનુસાર સરકારી માલિકીની રિફાઇનિંગ અને માર્કેટિંગ કંપનીઓએ મળીને પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર આશરે 2.25 અબજ ડોલરની આવક ગુમાવી છે,” મૂડીઝે ઉમેર્યું હતું. આ આંકડો ત્રણેય કંપનીઓ માટે તેમના સંયુક્ત નાણાંકીય વર્ષ 2021ના એબીટાના લગભગ 20 ટકા જેટલી રકમ છે.રેટિંગ એજન્સીએ અંદાજ લગાવ્યો હતો કે આ સમાન સમયગાળા દરમિયાન આઈઓસીની આવક નુકશાની લગભગ 1-1.1 અબજ ડોલર જ્યારે બીપીસીએલ અને એચપીસીએલની આવક નુકશાની લગભગ 55થી 65 કરોડ ડોલર હશે.

OMCsના દેવામાં થશે વધારો

આવકમાં નુકસાનીને કારણે રિફાઇનર્સોએ વર્કિંગ કેપિટલ પૂરું પાડવા ટૂંકાગાળાનું દેવું ઉઘરાવવું પડશે.આ સિવાય સરકાર ચાલુ વર્ષે એલઆઈસીનો આઈપીઓ લાવી શકે તેવી કોઈ સંભાવના નથી જોવા મળી રહી તેથી હવે સરકારને આ જાહેર ક્ષેત્રની કંપનીઓ તરફથી પણ વધુ ડિવિડન્ડની માંગ રહેશે એટલેકે જો ડિવિડન્ડ પેમેન્ટ વધશે તો બેલેન્સશીટ નબળી પડશે.

Share Now