CBI કરશે બીરભૂમ હિંસાની તપાસ, 7 એપ્રિલ સુધીમાં સોંપવો પડશે રિપોર્ટઃ કોર્ટ

440

કોલકાતા, તા. 25 માર્ચ 2022, શુક્રવાર : બીરભૂમ હિંસા અને આગજની કેસ મામલે હવે CBI તપાસ થશે.કોલકાતા હાઈકોર્ટ દ્વારા આ માટે આદેશ આપવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે,બીરભૂમ જિલ્લાના રામપુરહાટ ખાતે TMC નેતાની હત્યા બાદ હિંસા ભડકી ઉઠી હતી.ત્યાં અનેક ઘરોને આગના હવાલે કરી દેવામાં આવ્યા હતા.આગમાં સળગીને 2 બાળકો સહિત 8 લોકોના મોત થયા હતા જેમાં 3 મહિલાઓ પણ સામેલ હતી.અત્યાર સુધીમાં આ મામલે 20 લોકોની ધરપકડ થઈ ચુકી છે.

બંગાળ પોલીસની SIT હવે આ કેસની તપાસ CBIને સોંપી દેશે.સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે,પુરાવાઓ અને ઘટનાની અસરથી જણાઈ આવે છે કે,રાજ્ય પોલીસ આ માટે તપાસ ન કરી શકે.હાઈકોર્ટે CBIને આદેશ આપ્યો છે કે,તે 7 એપ્રિલ સુધીમાં પોતાનો પ્રોગ્રેસ રિપોર્ટ ફાઈલ કરે.

બીરભૂમ હિંસા મામલે કોલકાતા હાઈકોર્ટે પણ સ્વતઃ સંજ્ઞાન લઈને સુનાવણી કરી હતી.પહેલા હાઈકોર્ટે પોતે જ CBI તપાસની માગણી નકારી દીધી હતી અને કહ્યું હતું કે,તપાસનો પહેલો મોકો રાજ્યને મળવો જોઈએ.

પશ્ચિમ બંગાળના બીરભૂમ ખાતે થયેલી હિંસાનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે.સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે.અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં SITની રચના કરીને તપાસની માગણી કરવામાં આવી છે.અરજીમાં કહેવામાં આવ્યું છે કે,આ મામલે SIT કે પછી CBI દ્વારા આ કેસની તપાસ કરાવવામાં આવે.હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ આ અરજી દાખલ કરી છે.

ફોરેન્સિક રિપોર્ટ

પશ્ચિમ બંગાળના બીરભૂમ ખાતે થયેલી હિંસા મામલે ફોરેન્સિક રિપોર્ટમાં ખૂબ જ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.રિપોર્ટ પ્રમાણે મૃતકોને જીવતા સળગાવ્યા તે પહેલા ખૂબ જ ભયંકર માર મારવામાં આવ્યો હતો.

બીરભૂમ હિંસા મામલે ચારે તરફથી ઘેરાયેલી મમતા બેનર્જી સરકારે હવે એક્શન્સ લેવાનું શરૂ કરી દીધું છે.મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા ત્યાર બાદ TMCના જ આરોપી નેતા અનારૂલ હુસૈનની ધરપકડ કરી લેવામાં આવી છે.આ સાથે જ તે વિસ્તારના થાણા પ્રભારી ત્રિદીપ પ્રમાણિકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રામપુરહાટમાં હિંસાને લઈ ભાજપ અને TMC વચ્ચે ઘમસાણ ચાલુ છે. TMC સાંસદોએ ગુરૂવારે ગૃહ મંત્રી અમિત શાહની મુલાકાત લીધી હતી અને હિંસા મુદ્દે નિવેદનબાજીને લઈ રાજ્યપાલ જગદીપ ધનખડને હટાવવાની માગણી કરી હતી.

Share Now