વડોદરા: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની એકતાનગરમાં ઓચિંતી મુલાકાત: લોકોની પ્રાથમિક સુવિધા મુદ્દે રજૂઆત

377

વડોદરા,તા.25 માર્ચ 2022,શુક્રવાર : વડોદરા નજીકના સુખલીપુરા ગામે આજે સવારે મુખ્યમંત્રીએ સરપ્રાઇઝ વિઝિટ લઈ સૌને ચોંકાવી દીધા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રી આજે યુપી ખાતે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા તે દરમિયાન વડોદરા એરપોર્ટ પર રોકાણ કર્યું હતું.

પ્રજાની વેદના સાંભળવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે વડોદરા શહેર-જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા.મુખ્યમંત્રીએ આજવા રોડ સ્થિત સુખલીપુરા ગામ અને એકતાનગર વસાહતની મુલાકાત લઇ સ્થાનિકોના પ્રશ્નો સાંભળી ત્વરિતનિરાકરણની ખાતરી આપી હતી.મુખ્યમંત્રી ઓચિંતી મુલાકાતે પધારતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે.પરિણામે રાજકીય પક્ષોએ પ્રજાને પોતાની તરફ આકર્ષવા તનતોડ પ્રયાસો શરૂ કરી દીધા છે.તેવામાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વડોદરા શહેર જિલ્લાની ઓચિંતી મુલાકાતે આવી પહોંચતા અધિકારીઓ પદાધિકારીઓ સહિત પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી.ભુપેન્દ્રભાઈ પટેલે સૌપ્રથમ વાઘોડિયા નિમેટા રોડ સ્થિત સુખલીપુરા ગામની મુલાકાત લીધી હતી.અને આંગણવાડી સહિતના સ્થળોનું નિરીક્ષણ કરી ગ્રામજનોની સમસ્યા સાંભળી ત્વરિત નિરાકરણની ખાતરી આપી હતી.

ત્યારબાદ તેઓએ વડોદરા શહેરમાં ઇલેક્શન વોર્ડ નંબર-5માં સમાવિષ્ટ આજવા રોડ સ્થિત એકતાનગરની મુલાકાત લીધી હતી.જ્યાં રહીશોએ રોડ,પાણી અને ડ્રેનેજની સમસ્યા સંદર્ભે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.અત્રે નોંધનીય છે કે,એકતાનગર વસાહતમાં તમામ ધર્મના લોકો રહેતા હોય સમાજમાં ધર્મની બાધ રાખ્યા વિના ભાજપ પક્ષ લોકોની સાથે છે તેવા દ્રશ્યો પણ છતાં થયા હતા.આ બંને સ્થળોની ઓચિંતી મુલાકાત બાદ મુખ્યમંત્રી એરપોર્ટ રવાના થયા હતા.

મુખ્યમંત્રીની મુલાકાતની જાણ પોલીસ વિભાગ હોય કોર્પોરેશન હોય કે જિલ્લા પંચાયત કે જિલ્લા કલેકટરને પણ ન હતી અને તેઓને અચાનક જાણ થતાં વહીવટી તંત્ર દોડતું થયું હતું.

Share Now