(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૫ : ઓક્સિજનની અછતને કારણે કોરોના દર્દીઓના થયેલા મોતની વિગતો કેન્દ્ર સરકારે તમામ રાજ્યો પાસે માગી હતી.જો કે કેટલાક જ રાજ્યો દ્વારા આ માહિતી આપવામાં આવી છે.જે રાજ્યાએ માહિતી આપી છે તે મુજબ ઓક્સિજનની અછતને કારણે કોરોનાના કોઇ પણ દર્દીનું મોત થયું નથી તેમ આરોગ્ય મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન ભારતી પ્રવીણ પવારે આજે સંસદમાં જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્યો દ્વારા આપવામાં આવતા કોરોના કેસોની સંખ્યા અને કોરોનાને કારણે થયેલા મોતના આંકડાઓને આધારે ડેટા તૈયાર કરે છે.
લોકસભામા એક લેખિત પ્રશ્રના જવાબમાં પવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે રાજ્યો પાસે ઓક્સિજનને કારણે મૃત્યુ પામેલા કોરોનાના દર્દીઓની સંખ્યાની વિગતો માગી હતી.જેના સંદર્ભમાં અમુક જ રાજ્યો દ્વારા આ માહિતી આપવામાં આવી છે અને જે રાજ્યો દ્વારા માહિતી આપવામાં આવી છે તે મુજબ ઓક્સિજનની અછતને કારણે કોઇ પણ દર્દીનું મોત થયું નથી.
પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આરોગ્ય રાજ્યનો વિષય છે.કેન્દ્ર સરકારનું કામ રાજ્યોને તેમના કાર્યમાં મદદ કરવાનું છે.
હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર,ડ્રગ્સ અને મેડિકલ ઓક્સિજન સપ્લાય સહિતની જરૃરી વસ્તુઓ ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવ્યા છે.સરકાર દ્વારા ૧૮૦થી વધુ ગાઇડલાઇન/એડવાઇઝરી/એસઓપી જારી કરવામાં આવી હતી.
કોરોનાને પગલે દેશમાં ઓક્સિજનની માગ વધવાને કારણે સરકાર દ્વારા ઓક્સિજનનો પુરવઠો વધારવાના પગલા ભરવામાં આવ્યા છે.આ માટે લિક્વિડ મેડિકલ ઓક્સિજન(એલએમઓ)ની આયાત કરવામાં આવી હતી અને પ્રેસર સ્વિંગ એડસોર્પશન(પીએસએ) પ્લાન્ટ શરૃ કરવામાં આવ્યા હતાં.
૨૧ માર્ચ, ૨૦૨૨ના રોજ દેશમાં ૩૭૫૬ પીએસએ પ્લાન્ટ કાર્યરત છે. રાજ્યોને ૪,૦૨,૫૧૭ ઓક્સિજન સિલિન્ડર અને ૧,૧૩,૮૫૮ ઓકિસજન કોન્સેન્ટ્રેટર્સ ફાળવવામાં આવ્યા હતાં.