નવી દિલ્હી, તા.26 માર્ચ 2022,શનિવાર : રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને તાજેતરમાં “બિન-મૈત્રીપૂર્ણ” દેશોને ગેસ નિકાસ માટે માત્ર રૂબેલમાં ચૂકવણીની માંગ કરી હતી.પુતિને કહ્યું હતું કે હવે યુરોપિયન યુનિયન અને અમેરિકાને આપણા માલસામાનના સપ્લાય માટે ડોલર,યુરોમાં ચૂકવણી કરવાનો કોઈ અર્થ નથી,અમને અમારી કરન્સીમાં જ પેમેન્ટ જોઈએ.જેનો જવાબ આપતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની માંગને ફગાવી દીધી હતી.
મેક્રોને બ્રસેલ્સમાં EU સમિટ પછી પત્રકારોને જણાવ્યું હતું કે “મને નથી લાગતું કે આ માંગણી સ્વીકાર્ય છે”.ફ્રાંસના નિવેદન પૂર્વે રશિયા પાસેથી ગેસ ખરીદનાર ટોચના ગ્રાહક જર્મનીએ પણ આ નિર્ણયની નિંદા કરી હતી.ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે શુક્રવારે કહ્યું હતુ કે કોન્ટ્રાક્ટ સ્પષ્ટ છે અને તે અગાઉથી નક્કી જ છે કે ગેસ માટે કેવી રીતે ચૂકવણી કરવી જોઈએ.