‘વીજ ઉત્પાદક કંપનીઓને કોલસાની ફાળવણી માટે સાપેક્ષ આધાર સિવાય અન્ય કોઈ વિકલ્પ નહીં’

357

નવી દિલ્હી, તા. 27 માર્ચ 2022, રવિવાર : વિદ્યુત મંત્રાલયે શનિવારે જણાવ્યું કે,વીજ ઉત્પાદક કંપનીઓની કોલસા માટેની કોઈ પણ પ્રકારની ઉણપને પૂરી કરવા માટે સાપેક્ષ આધાર સિવાય અન્ય કોઈ આધાર પર કોલસાનો પુરવઠો આપવો શક્ય નથી.

વિદ્યુત મંત્રાલયના નિવેદન પ્રમાણે તેઓ દેશમાં કોલસાના પુરવઠાની સ્થિતિનું મોનિટરીંગ કરી રહ્યા છે અને તેમણે કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL),સિંગરેની કોલિયરીઝ કંપની લિમિટેડ (SCCL) અને ખાનગી કોલસાની ખાણોમાંથી પ્રાપ્ત ઘરેલુ કોલસાના આધાર પર પર્યાપ્ત કોલસાની આપૂર્તિ માટે અને કોલસાનો સ્ટોક સુનિશ્ચિત કરવા માટે પગલા ભર્યા છે.

મંત્રાલયે જણાવ્યું કે,રાજ્યની ઉત્પાદક કંપનીઓ, આઈપીપી (સ્વતંત્ર વીજળી ઉત્પાદક) અને કેન્દ્રીય ઉત્પાદક કંપનીઓ સાથે મંત્રણા દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો પ્રમાણે તમામ ઉત્પાદક કંપનીઓને CIL/SCCL પાસેથી પ્રાપ્ત થયેલો ઘરેલુ કોલસો પ્રમાણસર સ્તરે (proportionate level) પૂરો પાડવામાં આવશે.કોઈ પણ પ્રકારની તંગીને પૂરી કરવા માટે આ સાપેક્ષ સ્તર સિવાય અન્ય કોઈ આધાર પર વધારે કોલસો પૂરો પાડવાનું શક્ય નહીં બને.

મંત્રાલયે એક પરિપત્ર બહાર પાડીને ઘરેલુ કોલસાનો પુરવઠો વધારવા માટે પ્રાથમિકતાના આધાર પર અમુક કાર્યવાહીઓ કરવા માટે નિર્દેશ આપ્યો છે.

સૌથી પહેલા તો,વીજળી સંયંત્રોને ફાળવવામાં આવતી ખાનગી કોલસાની ખાણોમાં ઉત્પાદનને મંત્રાલય દ્વારા મંજૂરીપાત્ર મર્યાદા સુધી મહત્તમ કરી શકાય.

બીજું, એવું નોંધવામાં આવ્યું છે કે,અનેક પાવર પ્લાન્ટ્સ રેલ્વે રેકમાંથી કોલસાને અનલોડ કરવામાં નિર્ધારિત ધોરણો કરતાં ઘણો લાંબો સમય લઈ રહ્યા છે જે ટર્ન-અરાઉન્ડ સમયને અસર કરી રહ્યું છે.CEAને પાવર પ્લાન્ટ્સ પર અનલોડિંગના સમયનું મોનિટરીંગ કરવા માટે કહેવામાં આવ્યું છે અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે,જે પાવર પ્લાન્ટ્સ રેક્સમાંથી કોલસાને તાત્કાલિક અનલોડ કરવામાં ઢીલ વર્તશે તેમને ઓછી સંખ્યામાં રેક ઉપલબ્ધ કરવામાં આવશે. ઉપલબ્ધ રેલવે રેકનો મહત્તમ ઉપયોગ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ત્રીજું, અનેક જનરેટીંગ કંપનીઓ પાસે કોલસા કંપનીઓની ઉઘરાણી બાકી છે જે રકમ અનેક સો કરોડ રૂપિયા જેટલી છે.ઉઘરાણીની આટલી મોટી બાકી રકમ કોલસા કંપનીઓની કોલસાનો પુરવઠો ચાલુ રાખવાની ક્ષમતાને અસર કરે છે.આ કારણએ કોલસાની કંપનીઓના બિલો નિયત સમયમાં ચૂકવવામાં આવે તે જરૂરી છે જેથી આવી જનરેટિંગ કંપનીઓને અસર ન થાય.

Share Now