વડોદરામાં ૪ લાખ લોકોના દવાના બિલમાં મહિને રૃ.૧૦ કરોડનો વધારો થશે

609

– ૧ એપ્રિલથી જીવન જરૃરી ૮૦૦ દવાઓના ભાવમાં ૧૦.૭૬ ટકાનો વધારો થશે

વડોદરા : નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી (એનપીપીએ)એ તા.૧ એપ્રિલથી ૮૦૦ દવાઓના ભાવમાં ૧૦.૭૬ ટકાના વધારાને મંજૂરી આપી છે.આ એવી દવાઓ છે જે ‘નેશનલ એસેન્સિઅલ લિસ્ટ ઓફ મડિસિન’માં એટલે કે ‘જીવન જરૃરી દવાઓની યાદી’માં સામેલ છે.આંકડામાં જોવા જઇએ તો ૧૦.૭૬ ટકા સામાન્ય લાગે છે પરંતુ તેનાથી લાખો લોકોના દવાના ખર્ચમાં મોટો વધારો થશે.

એન્ટીબાયોટિક,એન્ટી ઇન્ફ્લેમેટરિ,ઇએનટી,એન્ટીસેપ્ટિક,પેઇન કિલર,ગેસ્ટ્રો ઇન્ટેન્સ્ટીનલ અને એન્ટી ફંગલ દવાઓમાં ભાવ વધારો ઝીંકાશે

જે દવાઓમાં ભાવ વધારો થવાનો છે તેમાં મુખ્યત્વે એન્ટીબાયોટિક,એન્ટી ઇન્ફ્લેમેટરિ,ઇએનટી, એન્ટીસેપ્ટિક,પેઇન કિલર,ગેસ્ટ્રો ઇન્ટેન્સ્ટીનલ અને એન્ટી ફંગલ દવાઓનો સમાવેશ થાય છે.દવાઓના આ ભાવ વધારાની વડોદરામાં શું અસર થશે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને મેડિકલ સ્ટોરના સંચાલકો થી લઇને ડોક્ટરો સાથે વાત કરીને તારણ કાઢવામાં આવતા જાણવા મળ્યું કે વડોદરામાં ૪ લાખથી વધુ લોકો એવા છે જે ‘પોલી ફાર્મસી ગૃપ’માં આવે છે. ૫૦થી વધુ ઉમરના લોકો સામાન્ય રીતે બી.પી.,ડાયાબિટીસ,હાર્ટ,લિવર અથવા તો કિડનીની બીમારીથી પીડાતા હોય છે અને રોજ એકથી વધુ દવાઓ લેતા હોય છે.જે લોકો એકથી વધુ દવા લેતા હોય છે તેમને પોલી ફાર્મસી ગૃપમાં મૂકવામા આવે છે.

વડોદરામાં ૫૦થી વધુ ઉમરના ૪ લાખથી વધુ લોકો છે જેમનું દર મહિને દવાઓનું સરેરાશ બીલ રૃ.૨૫૦૦થી વધુ થાય છે.હવે તેમાં ૧૦ ટકાનો વધારો થશે એટલે પ્રત્યેક વ્યક્તિએ દર મહિને દવાના બીલમાં રૃ.૨૫૦ વધુ ચૂકવવા પડશે.ચાર લાખ લોકોના બીલમાં વધારાનો સરવાળો કરવામાં આવે તો તે રૃ.૧૦ કરોડ થાય છે.આમ વડોદરામાં દવાઓના ભાવ વધારાના પગલે લોકોને દર મહિને રૃ.૧૦ કરોડથી વધુનો ફટકો પડશે.આમ પણ લોકો પેટ્રોલથી લઇને શાકભાજી સુધીની જીવન જરૃરી ચીજ વસ્તુઓમાં મોંઘવારીનો માર ઝીલી રહ્યાં છે ત્યારે દવાઓનો ભાવ વધારો અસહ્ય બની રહેશે.

Share Now