આહવા ખાતે સી-ટાઈપ સરકારી આવાસ તથા માર્ગ સુધારણાના કામોનુ લોકાર્પણ કરતા માર્ગ મકાન મંત્રી પુર્ણેશ મોદી

405

– ડેમ અને વિસ્થાપિત જેવા મુદ્દે પ્રજાજનોને ગેરમાર્ગે નહીં દોરાવાની અપીલ

સાપુતારા : રાજ્યના પ્રજાજનોના માર્ગ સુધારણાના નાના મા નાના પ્રશ્નો,રજુઆતોનુ વોટ્સએપ/સોશિયલ મીડિયાના માધ્યમથી ત્વરીત નિવારણ કરીને સુશાસનનો પરિચય આપ્યા બાદ ચોમાસામા વરસાદી પાણીને કારણે વિખુટા પડી જતા ગામો બાબતે વિશેષ લક્ષ કેન્દ્રિત કરીને રૂ.૪૬૧ કરોડના ખર્ચે ૨૯૫ જેટલા કોઝવે-કમ-વિયરનો પ્રોજેકટ હાથ ધર્યો છે તેમ માર્ગ મકાન મંત્રી પુર્ણેશભાઈ મોદીએ જણાવ્યુ હતુ.

આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન વિકાસના નવા આયામો સર કરવાની નેમ સાથે પ્રાથમિક સુવિધાઓ ક્ષેત્રે રાજ્ય અને કેન્દ્ર સરકાર હરણફાળ ભરી રહી છે તેમ જણાવતા મંત્રી મોદીએ,દેશના ગામેગામ વીજળી,પાણી,માર્ગો,આવાસ,ગેસ જેવી પાયાકિય જરૂરિયાતોની પૂર્તિ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે તેમ જણાવ્યુ હતુ.

આઝાદીના લડવૈયાઓને યાદ કરીને મંત્રી પુર્ણેશભાઈ મોદીએ ભારતના ગૌરવવંતા ઇતિહાસને ઉજાગર કરવાના ભાગરૂપે હાથ ધરાયેલા શ્રેણીબદ્ધ પ્રોજેકટનો ખ્યાલ આપતા પ્રજાજનોની પ્રાથમિક જરૂરિયાતના તમામ કાર્યોની આપૂર્તિ માટે આ ઉજવણી સિમાચિન્હો રૂપી સાબિત થશે તેમ જણાવ્યુ હતુ.

ભારતને વિશ્વગુરુ બનાવવાના રોડમેપ ઉપર કાર્યરત રાજ્ય અને કેન્દ્ર સરકારના અભિગમનો ખ્યાલ આપતા મંત્રી પુર્ણેશ મોદીએ સરકાર સામે ચાલીને વિકાસ કાર્યો હાથ ધરી રહી છે તેમ જણાવ્યુ હતું.ગ્રામોત્થાનના ઉદ્દેશ સાથે કાર્ય કરતી સરકારે રાજ્યના સર્વાગિણ વિકાસની સાથોસાથ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમા અનેકવિધ કાર્યો હાથ ધરીને રાજ્ય સરકારે માનવતા અને સંવેદના સાથે કાર્યો હાથ ધર્યા છે તેમ ઉમેર્યું હતુ.

અંતરિયાળ વિસ્તારોના માર્ગોની સુધારણા સાથે અનેકવિધ વિકાસ કાર્યોને આગળ ધપાવી રહેલી રાજ્ય અને કેન્દ્ર સરકારના ઉદ્દેશનો ખ્યાલ આપીને ફક્ત ચૂંટણી ટાણે જ ડેમ અને વિસ્થાપિત જેવા મુદ્દે રાજકીય રોટલો શેકીને પ્રજાજનોને ગુમરાહ કરતા કહેવાતા નેતાઓ, કાશ્મિરના વિસ્થાપિતો અંગે એક પણ શબ્દ બોલી નથી શકતા તેમ જણાવ્યુ હતુ.અમાનુષિ અત્યાચારની પરાકાસ્ઠા આચારનારાઓ સામે શંકાસ્પદ ચુપકીદી સેવનારાઓને,ડેમ જેવા મુદ્દે વિસ્થાપિતો બાબતે બોલવાનો કોઈ અધિકાર નથી તેમ પણ મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યુ.

રાજ્ય સરકાર વતી જવાબદાર મંત્રીઓ જ્યારે ડેમ અને વિસ્થાપિત જેવા મુદ્દે સ્પષ્ટતા કરી ચૂક્યા છે ત્યારે, યેનકેન પ્રકારે પ્રજાજનોને ભરમાવવાની નાપાક કોશિશ કરનારાઓને ચેતવતા મંત્રી શ્રી મોદીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સંગઠનના સ્વયંસેવકોએ દેશના સાર્વભૌમત્વ માટે કરેલા કાર્યોની ગાથા રજૂ કરી,શ્રીનગરના લાલચોકમા તિરંગો લહેરાવવાનુ સ્વપ્ન દેશહિતને વરેલા દેશભક્તોએ પૂર્ણ કર્યું છે તેમ તેમના વક્તવ્યમા જણાવ્યુ હતુ.

ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઇ પટેલે તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમા,અન્ન-આવરણ-અને આવાસની પૂરતી થયા બાદ વ્યક્તિ રચનાત્મક માર્ગે આગળ વધી શકે છે તેમ જણાવ્યુ હતુ.

ડાંગના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ/કોચિંગની સુવિધા સાથે આદિવાસી ભવન,સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ,બ્લડ બેન્ક જેવી નવતર સુવિધાઓ આગામી દિવસોમા ડાંગને મળી રહેશે તેમ જણાવતા પ્રભારી મંત્રીશ્રીએ અધિકારી,પદાધિકારીઓના પરસ્પર સંકલન સાથે વિકાસના શ્રેણીબદ્ધ કાર્યો હાથ ધરાઇ રહ્યા છે તેમ જણાવ્યુ હતુ.

મંત્રીશ્રીએ પાર-તાપી લીંક પ્રોજેકટ યોજના સંદર્ભે પ્રજાજનોને ગેરમાર્ગે દોરનારા લોકોની વાતોમા પ્રજાજનોને નહી ભરમાવાની પણ હિમાયત કરી હતી.પાર-તાન-અંબિકા જેવી નદીઓ ઉપર મધ્યમ કદના ચેકડેમો બનાવીને પાણીની સમસ્યાઓના નિવારણની દિશામા રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે જ્યારે પશુપાલન,ખેતીવાડી જેવા વ્યવસાય માટે જળસંચય માટેના કૂવા,બોર,ચેકડેમ જેવા કાર્યોને પ્રાધાન્ય આપવામા આવી રહ્યું છે તેમ પણ તેમણે ઉમેર્યું હતુ.

આદિવાસી પ્રજાજનોનુ અહિત થાય તેવુ એક પણ કાર્ય,પ્રોજેક્ટ શરૂ નહીં થાય તેવુ સ્પષ્ટપણે જણાવતા રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલે,પ્રજાજનોને ગેરમાર્ગે દોરીને પોતાનો રાજકીય રોટલો શેકતા તત્વોને ઓળખી લેવાની પણ હાંકલ કરી હતી.

આદિવાસી પ્રજાજનો ઉપર વિશેષ લાગણી સાથે બીલીમોરા-વઘઇ ટ્રેનને નાશિક-મનમાડ સુધી લંબાવીને,પ્રજાજનોને વિકાસની મુખ્ય ધારામા જોડવાનો રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે,ત્યારે ડાંગના ભલાભોળા પ્રજાજનોને ગેરમાર્ગે દોરાયા વિના ગુમરાહ નહી થવાની પણ હાંકલ કરી હતી.જળ સંચયના કાર્યોની ફળશ્રતિ રૂપે સ્થાનિક આદિવાસી ખેડૂતો ઘર આંગણે જ શાકભાજી સહિતના પાકો લેતા થયા છે તેમ પણ મંત્રીશ્રીએ આ વેળા જણાવ્યુ હતુ.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે સને ૨૦૧૪ પછી વિશેષ કરીને અંતરિયાળ વિસ્તારોમા પણ સંદેશા વ્યવહારની ઉત્કૃષ્ટ સુવિધા ઉપલબ્ધ કરાવવાનું ભગિરથ કાર્ય કર્યું છે તેમ જણાવતા વલસાડ-ડાંગના સાંસદશ્રી ડૉ.કે.સી.પટેલે વઘઇ-બિલીમોરા નેરોગેજ ટ્રેનને નાશિક-મનમાડ સુધી લંબાવવાની પ્રક્રિયા હાથ ધરવામા આવી છે.તેમ તેમના પ્રાસંગિક વક્તવ્યમા જણાવ્યુ હતુ.

વિકાસને વરેલી રાજ્ય અને કેન્દ્ર સરકારના અભિગમનો ખ્યાલ આપતા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિતે રાજ્ય સમસ્તની જેમ ડાંગનો પણ સાર્વત્રિક વિકાસ થઈ રહ્યો છે,ત્યારે ડાંગ ઉપર હંમેશા હેત વરસાવતા મંત્રીશ્રીઓ,રાજ્ય સરકાર, અને કેન્દ્ર સરકારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.ડાંગનો વિકાસ આગામી દિવસોમા નવા સિમાચિન્હો સ્થાપિત કરશે તેમ પણ પ્રમુખ મંગળભાઈ ગાવિતે તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમા જણાવ્યુ હતુ.

અંતરિયાળ વિસ્તારના પંપા સરોવર,શબરીધામ,કનસરીયા ગઢ જેવા ધાર્મિક વિસ્તારોને જોડતા માર્ગોની સુધારણાના કાર્યો પ્રજાજનોના આશીર્વાદ અપાવશે તેમ જણાવતા શ્રી મંગળભાઈ ગાવિતે,વિકાસના કામોમા જોડાઈને પ્રજાજનોના સ્વપ્નો પૂરા કરવાની તક સાંપડી રહી છે તેમ જણાવ્યુ હતુ.

આહવાની જવાહર કોલોની ખાતે યોજાયેલા આવાસ અને માર્ગ સુધારણાના કામોના લોકાર્પણ પ્રસંગે માર્ગ મકાન મંત્રી શ્રી પુર્ણેશભાઈ મોદી સહિત રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી-વ-પ્રભારી મંત્રીશ્રી નરેશભાઇ પટેલ, સાંસદશ્રી ડૉ.કે.સી.પટેલ, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મંગળભાઈ ગાવિત,ધારાસભ્ય વિજયભાઈ પટેલ,ભાજપા અધ્યક્ષ દશરથભાઈ પવાર,આહવા તાલુકા પંચાયતના પ્રમુખ કમળાબેન રાઉત,આહવાના સરપંચ હરિચંદ ભોયે,પદાધિકારીઓ,હોદ્દેદારો,કલેક્ટર ભાવિન પંડ્યા, માર્ગ અને મકાન વિભાગના અધિકારી/કર્મચારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે કાર્યપાલક ઈજનેર એસ.આર.પટેલે મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કર્યુ હતુ.ઉદ્દઘોષક તરીકે શિક્ષિકા શ્રીમતી બીજુબાલા પટેલે સેવા આપી હતી.

આહવા ખાતે યોજાયેલા માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રીના કાર્યક્રમ દરમિયાન જે કામોનુ લોકાર્પણ કરાયુ તેની વિગતો જોઈએ તો,

‘સી’ ટાઈપ સ્ટાફ ક્વાર્ટર્સ-આહવા :

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ફરજ બજાવતા જુદી-જુદી સરકારી કચેરીઓના ગેઝેટેડ ઓફિસરોની નિવાસ સુવિધા માટે,રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજિત રૂ.૮૬૭.૯૦ લાખના ખર્ચે, ૩૬ જેટલા સ્ટાફ ક્વાર્ટર્સ તૈયાર કરાયા છે.

જવાહર કોલોની સ્થિત આ સી-ટાઈપ ૩૬ યુનિટ સ્ટાફ ક્વાર્ટર્સમા (૩ બિલ્ડીંગોમા ૩૬ આવાસ) ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાર્કિંગ સુવિધા સાથે, દરેક આવાસમા એક બેડરૂમ અને એક માસ્ટર બેડરૂમ, એક લિવિંગ રૂમ, કિચન, કોમન ટોઇલેટ, તથા વોશ એરિયા, અને બાલ્કનીનો સમાવેશ કરાયો છે.

માર્ગ સુધારણા કામો :

ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના બાંધકામ વિભાગ દ્વારા, અંદાજીત રૂ.૨૩૬.૨૧ લાખના ખર્ચે મંજુર થયેલા પાંચ રસ્તાના પેકેજ હેઠળ તૈયાર કરાયેલા સુબિર તાલુકાના કાંગર્યામાળ-જારસોળ રોડના નવિનિકરણના કામનુ પણ ઇ-લોકાર્પણ કરાયુ હતુ.તો સુબિર તાલુકાના શેપુઆંબા થી સાવરખલ માર્ગ સુધારણાના કામનુ પણ,માર્ગ મકાન મંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામા આવ્યુ હતુ.

Share Now