ઉત્તર પ્રદેશ, તા. 29 માર્ચ 2022, મંગળવાર : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 28 માર્ચે તમામ મંત્રીઓના પોર્ટફોલિયોનું વિતરણ કર્યું હતું.હવે યોગી આદિત્યનાથે સચિવાલય પ્રશાસનને કોમ્પ્યુટરાઈઝ્ડ લોટરી સોફ્ટવેર દ્વારા સ્ટાફ અને તેમના રૂમની ફાળવણી કરવાનો નિર્દેશ આપ્યો છે.યોગી આદિત્યનાથે સિસ્ટમને વધુ પારદર્શક બનાવવા માટે આ નિર્ણય લીધો છે.આ સાથે,સામાન્ય વહીવટી કાર્યમાં 20% મહિલાઓની ભાગીદારી પણ આ પદ્ધતિ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે સચિવાલય વહીવટ ખાનગી સચિવો,સહાયક પીએસ,સમીક્ષા અધિકારીઓ અને સહાયક સમીક્ષા અધિકારીઓની એક સોફ્ટવેરની મદદથી ફાળવણી કરશે જે એ નક્કી કરશે કે,છેલ્લા પાંચ વર્ષોમાં એક મંત્રીની સાથે કામ કરનાર કર્મચારીઓને તેમની સાથે પોસ્ટિંગ ન મળે.મંત્રીઓના પોર્ટફોલિયોની ફાળવણી બાદ મંત્રીઓને તાત્કાલિક કામ શરૂ કરવા માટે સંબંધિત રૂમ પણ ફાળવવામાં આવ્યા છે.
અગાઉ મંત્રીઓને પોતાના સહાયક કર્મચારીઓની નિમણૂક કરવાની અને ભલામણ કરવાની સ્વંતત્રતા હતી પરંતુ આ વખતે એક કોડ દ્વારા પોતાના કર્મચારીઓની નિમણૂક કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેને સોફ્ટવેર દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવશે.આ નામો એક કોડેડ ફોર્મેટમાં હશે જેથી મંત્રીઓને તે વ્યક્તિના ધર્મ,વાસ્તવિક નામ જાતિ કે લિંગ વિશે ખબર ન પડે જેમની તેઓ પોતાના કર્મચારી તરીકે પસંદગી કરી રહ્યા છે.
જિતિન પ્રસાદને યોગી આદિત્યનાથ કેબિનેટમાં PWD વિભાગ આપવામાં આવ્યો છે.આ વિભાગ અગાઉ કેશવ પ્રસાદ મૌર્ય પાસે હતો પરંતુ હવે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જિતિન પ્રસાદને આ વિભાગ આપવામાં આવ્યો છે.જિતિન પ્રસાદ હાલમાં વિધાન પરિષદના સભ્ય છે અને 2021માં કેબિનેટ વિસ્તરણ દરમિયાન તેમને ટેકનિકલ શિક્ષણ વિભાગના પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
સોમવારે યુપીના નવા કેબિનેટ માટે વિભાગોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને 6 વિભાગો આપ્યા છે જેમાં ગ્રામીણ વિકાસ,ગ્રામીણ એન્જિનિયરિંગ,ફૂડ પ્રોસેસિંગ,મનોરંજન કર,જાહેર સાહસો અને રાષ્ટ્રીય એકતા એકીકરણ વિભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે.બ્રિજેશ પાઠકને તબીબી શિક્ષણ,તબીબી અને આરોગ્ય અને કુટુંબ કલ્યાણ અને માતા અને બાળ કલ્યાણ વિભાગો આપવામાં આવ્યા છે.
યોગી આદિત્યનાથની કેબિનેટે શુક્રવારે શપથ ગ્રહણ કર્યા હતા.આ દરમિયાન લખનઉના ઈકાના સ્ટેડિયમમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં 52 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા.સોમવારે તમામ 52 મંત્રીઓના વિભાગની ફાળવણી કરવામાં આવી હતી.