નવી દિલ્હી.તા.29 માર્ચ 2022,મંગળવાર : રાજનીતિક ઉથલપાથલમાં હવે પંજાબના મુખ્યમંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી છે.સરકાર સામે વિપક્ષે લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પૂર્વે જ પંજાબના CMએ રાજીનામું ધરી દીધું છે.
અહિં વાત થઈ રહી છે પાકિસ્તાનના પંજાબ પ્રાંતની.ઈમરાન સરકાર સામેના અવિશ્વાસ પ્રસ્તાવ સ્વીકાર્યા બાદ પંજાબ સરકારને પણ પાડવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.આ પછી પાકિસ્તાનમાં પંજાબના સીએમએ જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ઉસ્માન બુઝદાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયો હતો.ઈમરાન ખાન સામે વિપક્ષના અવિશ્વાસની દરખાસ્ત અને પંજાબના સીએમને હટાવવા માટે પાકિસ્તાન-તેહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ની અંદર વધી રહેલા દબાણને ધ્યાનમાં રાખીને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.
52 વર્ષીય બુઝદાર સામે અવિશ્વાસની દરખાસ્ત વિપક્ષી પાર્ટીઓ,પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) દ્વારા કરવામાં આવી હતી.તેમાં 127 ધારાસભ્યોની સહી છે. વિપક્ષે વિધાનસભા સત્રની માંગણી કરતું આવેદનપત્ર આપ્યું હતું.
8મી માર્ચે પાકિસ્તાની સંસદના સચિવાલય સમક્ષ વિપક્ષી પાર્ટીએ વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે દેશમાં વધતી મોંઘવારી અને આર્થિક સંકટ માટે ઈમરાન ખાનની આગેવાની હેઠળની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીની સરકાર જવાબદાર છે.