– પ્રભાકર સૈલે દાવો કર્યો હતો કે, ક્રૂઝ પાર્ટી રેડ સમયે તે ગોસાવી સાથે હતો
મુંબઈ,તા.2 એપ્રિલ 2022,શનિવાર : મુંબઈના ચર્ચિત ક્રૂઝ ડ્રગ્સ કેસના સાક્ષી એવા પ્રભાકર સૈલનું શુક્રવારના રોજ અવસાન થયું છે.પ્રભાકરના વકીલ તુષાર ખંડારેના કહેવા પ્રમાણે ચેમ્બુરના માહુલ વિસ્તારમાં તેમના નિવાસસ્થાને હાર્ટ એટેક આવવાના કારણે પ્રભાકરનું અવસાન થયું છે.
ઉલ્લેખનીય છે કે, પ્રભાકર સૈલે સમીર વાનખેડે પર મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં કરોડોની લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો.ત્યાર બાદ સમીર વાનખેડે સામે તપાસ શરૂ થઈ હતી.આ કેસની તપાસ કરી રહેલી NCBની વિજિલેન્સ ટીમે પ્રભાકર સૈલને પુછપરછ માટે પણ બોલાવ્યો હતો.
પ્રભાકર સૈલે દાવો કર્યો હતો કે, ક્રૂઝ પાર્ટી રેડ સમયે તે ગોસાવી સાથે હતો.તેના કહેવા પ્રમાણે કેપી ગોસાવીએ સૈમ ડિસૂજા નામના વ્યક્તિ સાથે ફોન પર 25 કરોડ રૂપિયાથી વાત શરૂ કરીને 18 કરોડ રૂપિયામાં ડીલ ફિક્સ કરવાની વાત કરી હતી.કેપી ગોસાવીએ NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને પણ લાંચ આપવાની વાત કરી હતી.
કિંગ ખાનના દીકરાની ધરપકડ
આ હાઈ પ્રોફાઈલ કેસમાં બોલિવુડના કિંગ ખાન (શાહરૂખ ખાન)ના દીકરા આર્યન ખાનની પણ ધરપકડ થઈ હતી.સમીર વાનખેડેએ જ 2 ઓક્ટોબર 2021ના રોજ મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ શિપ પર દરોડો પાડ્યો હતો.તે દરમિયાન તેમણે આર્યન ખાન સહિત 9 લોકોની ડ્રગ્સ કેસમાં સામેલ હોવાના આરોપસર ધરપકડ કરી હતી.જોકે, આર્યન ખાન પાસેથી કોઈ ડ્રગ નહોતું મળ્યું અને ત્યાંથી જ સમીર વાનખેડેનો ગ્રાફ નીચો જવાનું શરૂ થયું હતું.તેમના પર કરોડો રૂપિયાની વસૂલીના આરોપ લાગ્યા હતા અને બાદમાં તેમની NCBમાંથી પણ વિદાય થઈ હતી.