
સુરત : સુરત શહેરના કાપોદ્રા સ્થિત ધરતી નગર નજીક તાપી નદીના ઓવરા પાસે પ્રેમી પંખીડા દ્વારા ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.ઘટનાની જાણ થતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
સુરત શહેરમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે વધુ એક ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી.સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ધરતી નગર સોસાયટી પાસેના તાપી નદીના ઓવારા પાસે એક યુવતી અને યુવકની લાશ મળી આવી હતી.સ્થાનિક લોકોએ લાશને જોતા જ તાત્કાલિક કાપોદ્રા પોલીસને જાણ કરવામાં આવી હતી.જેમાં બંને પ્રેમીપંખીડા હોય અને બંનેએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું હતું.
કાપોદ્રા પોલીસે આસપાસના લોકોના નિવેદન લઈને પોલીસ દ્વારા બંનેની લાશને પીએમ અર્થે મોકલી આપવામાં આવી હતી.જોકે આ પ્રેમીપંખીડા આ વિસ્તારમાં ક્યાંથી આવ્યા ક્યારે ઝેરી દવા પીધી અને ક્યાં કારણોસર ઝેરી દવા પીધી આ તમામ બાબતોને લઈને કાપોદ્રા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.કાપોદ્રાના તાપી કિનારે બંને યુવક યુવતીની લાશ મળતા સ્થાનિક વિસ્તારમાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું.
પોલીસ તપાસમાં મૃતક યુવકે જીન્સનું પેન્ટ અને બ્લુ ક્લરનું ટી શર્ટ પહેર્યું હતું.જ્યારે યુવતીએ ગુલાબી કલરનો કુર્તો પહેર્યો હતો.લાશ પાસેથી એક થેલી પણ મળી આવી હતી.પોલીસે યુવક યુવતીની લાશને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી. તો બીજી તરફ મૃતક યુવક યુવતી કોણ છે અને તેઓએ આપઘાત કર્યો છે કે કેમ આ સમગ્ર દિશામાં તપાસ શરૂ કરી છે.