મસ્જિદોમાં લાઉડસ્પીકર પર રાજકારણ ગરમાયું, નીતિન ગડકરીએ રાજ ઠાકરે સાથે કરી મુલાકાત

471

– ગડકરીએ મુંબઈમાં રાજ ઠાકરે સાથે મુલાકાત કરી હતી ત્યારે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘આ કોઈ રાજકીય બેઠક નહોતી’

મુંબઈ, તા.04 એપ્રિલ 2022,સોમવાર : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી રવિવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેને મુંબઈમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા. તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘આ કોઈ રાજકીય બેઠક નહોતી.’

રાજ ઠાકરેને મળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતી વખતે ગડકરીએ MNS પ્રમુખના પરિવાર સાથેના તેમના જૂના સંબંધો તરફ ધ્યાન દોર્યું હતું.તેમણે કહ્યું હતું કે, તેઓ તેમના આમંત્રણ પર તેમના ઘરે ગયા હતા.આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી ગડકરીએ જણાવ્યું હતું કે, ‘આ કોઈ રાજકીય બેઠક નહોતી.રાજ ઠાકરે અને તેમના પરિવારના સભ્યો સાથે મારા 30 વર્ષથી સારા સંબંધો છે.હું તેમનું નવું ઘર જોવા અને તેમના માતાની સ્થિતિ જાણવા ગયો હતો.’

નોંધનીય છે કે, આ બેઠક રાજ ઠાકરેના નિવેદનના એક દિવસ બાદ કરવામાં આવી હતી.જેમાં MNS પ્રમુખે મહારાષ્ટ્ર સરકારને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા કહ્યું હતું અને ચેતવણી આપી હતી કે, મસ્જિદોમાંથી લાઉડસ્પીકર નહીં હટાવવામાં આવે તો મસ્જિદોની બહાર સ્પીકર પર વધુ મોટા અવાજમાં હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.

રાજ ઠાકરેએ શનિવારે મુંબઈમાં પાર્ટીના કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે, ‘હું નમાઝની વિરુદ્ધ નથી, તમે તમારા ઘરે નમાઝ અદા કરી શકો છો પરંતુ સરકારે મસ્જિદના લાઉડસ્પીકર હટાવવાનો નિર્ણય લેવો જોઈએ.હું ચેતવણી આપું છું કે, લાઉડસ્પીકર નહીં હટાવો તો મસ્જિદની સામે લાઉડસ્પીકર મૂકીને હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.

Share Now