– વી.આઇ.પી. રેવ પાર્ટીમાં પોલીસ ત્રાટકી
– પોલીસના ડ્રગ્સ વિરોધી અભિયાનનું ગીત ગાનારા ગાયકની પણ ધરપકડ, ચિરંજીવીની ભત્રીજી પણ સામેલ
હૈદરાબાદ : હૈદરાબાદ પોલીસની ટાસ્ક ફોર્સે બંજારા હિલ્સ વિસ્તારમાં આવેલી એક ફાઇવ સ્ટાર હોટેલના પબમાં આયોજીત કરાયેલી રેવ પાર્ટીમાં રેડ કરી હતી.જેમાં અભિનેતા,રાજકારણીઓ અને અન્ય વી.આઇ.પી. લોકો સહિત 142ની અટકાયત કરવામાં આવી છે.જેમાં તેલુગુ અભિનેતા નાગા બાબુની પુત્રી અને ચિરંજીવીની ભત્રીજીનો પણ સમાવેશ થાય છે.
આ પાર્ટીમાં તેલુગુ ગાયક અને તેલુગુ બિગબોસની ત્રીજી સિઝનના વિજેતા રાહુલ સિપ્લીગંજની પણ ધરપકડ કરવામાં આવી છે. 12 જાન્યુઆરીએ હૈદરાબાદ પોલીસે ડ્રગ્સ સામે શરૂ કરેલા અભિયાનનું થીમ સોંગ તેણે જ ગાયું હતું.આ ઉપરાંત અન્ય લોકોમાં આંધ્ર પ્રદેશના પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીની દીકરી,તેલુગુદેશમ પક્ષના સાંસદના દીકરાનો પણ સમાવેશ થાય છે.
હૈદરાબાદના પોલીસ કમિશનર સી.વી. આનંદે ફરજમાં બેદરકારી દાખવવા બદલ બંજારાહિલ્સના સ્ટેશન હાઉસ ઓફિસર શિવ ચંદ્રાના સસ્પેન્ડ કર્યા છે અને તેમની જગ્યો ટાસ્ક ફોર્સના અધિકારી કે.કે. નાગેશ્વરન રાવને સોંપવામાં આવ્યો છે.ફાઇવ સ્ટાર હોટલ રેડિસન બ્લ્યુમાં ચાલતું આ પબ ખમ્મમ જિલ્લાના પૂર્વ સાંસદની દીકરીની માલિકીનું હોવાનું બહાર આવ્યું છે.