– તે હથિયાર ચલાવવા અને લોન વોલ્ફ હુમલાની પદ્ધતિ ઈન્ટરનેટ પર સર્ચ કરતો હતો
લખનૌ, તા. 04 એપ્રિલ 2022, મંગળવાર : ગોરખપુરના પ્રતિષ્ઠિત ગોરખનાથ મંદિરના પરિસરમાં રવિવારે બનેલી ઘટનાએ સનસની ફેલાવી દીધી છે.અત્યાર સુધી સામે આવેલા તથ્યો સંકેત આપી રહ્યા છે કે, આ ઘટના આતંકવાદી ષડયંત્રનો ભાગ હોઈ શકે છે.આઈઆઈટી બોમ્બેમાંથી કેમિકલ એન્જિનિયરિંગ કરનાર હુમલાખોર અહેમદ મુર્તઝા અબ્બાસીનો સંબંધ આતંકી સંગઠન IS સાથે હોઈ શકે છે.તપાસ કરી રહેલી યુપી એટીએસ અને એસટીએફને તેના લેપટોપમાંથી આઈએસ અને સીરિયા સાથે સબંધિત કેટલાક વીડિયો અને સાહિત્ય મળી આવ્યું હતું.અધિક મુખ્ય સચિવ અવનીશ કુમાર અવસ્થીએ પણ કહ્યું છે કે, આ એક આતંકવાદી ઘટના હોવાનું નકારી શકાય નહીં.દરેક પોઈન્ટની તપાસ કરવામાં આવી રહી છે.
ગોરખનાથ મંદિર નાથ સંપ્રદાયની સર્વોચ્ચ સ્થાન હોવાની સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નિવાસ સ્થાન પણ છે.આવી સ્થિતિમાં ઘટનાની ગંભીરતા વધી ગઈ છે.આ દરમિયાન મોડી સાંજે તપાસ કરી રહેલી એટીએસ અને એસટીએફના મુર્તઝાના લેપટોપમાંથી આતંકી સગંઠન આઈએસ સાથે સબંધિત કેટલાક વીડિયો અને સાહિત્ય મળી આવ્યું છે.હવે તપાસ એજન્સીઓ માહિતી એકઠી કરી રહી છે કે, શું તેની પાસે માત્ર વીડિયો છે કે ખરેખર તેના તાર આઈએસ અથવા કોઈપણ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા છે.
આ અગાઉ અધિક મુખ્ય સચિવ ગૃહ અવનીશ કુમાર અવસ્થી અને એડીજી કાનૂન વ્યવસ્થા પ્રશાંત કુમારે ગોરખપુરની ઘટનાને લઈને લોકભવનમાં સોમવારે સંયુક્ત પ્રેસવાર્તા કરી હતી.તેમનું કહેવું છે કે, ગોરખનાથ મંદિરમાં સુરક્ષાકર્મચારીઓ પર કરવામાં આવેલ હુમલો ગંભીર ષડયંત્રનો ભાગ છે.ઉપલબ્ધ તથ્યોના આધારે એમ કહી શકાય કે આ એક આતંકવાદી ઘટના છે.હુમલાખોર આતંકવાદી ઘટનાને અંજામ આપવાના ઈરાદે મંદિર પરિસરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યો હતો,જેને પીએસી અને પોલીસ કર્મચારીઓએ નિષ્ફળ બનાવ્યો હતો.
અહેવાલ પ્રમાણે હુમલાખોર અબ્બાસીના માબાઈલમાંથી ઘણા ફતવા મળ્યા હતા.એ પણ જાણવા મળ્યું છે કે, તે હથિયાર ચલાવવા અને લોન વોલ્ફ હુમલાની પદ્ધતિ ઈન્ટરનેટ પર સર્ચ કરતો હતો.તે નાના હથિયારથી એકલો જ ઘણા લોકોના જીવ લઈને દહેશત ફેલાવવા માગતો હતો.ઉલ્લેખનીય છે કે, અહમદ અબ્બાસી મુર્તઝાએ પણ એકલા જ ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો.