EDની એક્શન બાદ સંજય રાઉતે કહ્યું- શું હું વિજય માલ્યા, નીરવ મોદી કે અંબાણી-અદાણી છું?

393

– ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓએ જાન્યુઆરીમાં મારો સંપર્ક કર્યો હતો અને પક્ષ બદલવા માટે કહ્યું હતું: રાઉત

મુંબઈ, તા. 06 એપ્રિલ 2022, બુધવાર : શિવસેનાના નેતા સંજય રાઉતની આશરે 1,034 કરોડ રૂપિયાની સંપત્તિ EDએ જપ્ત કરી છે.બુધવારના રોજ થયેલી આ કાર્યવાહી બાદ રોષે ભરાયેલા સંજય રાઉતે EDને સવાલ કર્યો હતો કે, શું તે તેમને વિજય માલ્યા અને નીરવ મોદી જેવા ભાગેડુ ટાઈકુન સમાન માને છે.

સંજય રાઉતે જણાવ્યું કે, તેમના વિરૂદ્ધ કાર્યવાહી એવા સમયે શરૂ થઈ જ્યારે લોકોએ તેમના પર મહારાષ્ટ્ર સરકાર પાડવા દબાણ બનાવ્યું.રાઉતે મીડિયાને જણાવ્યું કે, તેમણે આ મામલે રાજ્યસભાના સભાપતિ-ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને પહેલેથી જ જણાવી દીધું હતું.રાઉતના કહેવા પ્રમાણે સમગ્ર કાર્યવાહી રાજકીય બદલા અંતર્ગત કરવામાં આવી છે. ‘મેં પહેલેથી જ રાજ્યસભાના સભાપતિને આ અંગે જણાવી દીધું હતું.મારા પર મહારાષ્ટ્ર સરકારને પાડી દેવાનું દબાણ બનાવાઈ રહ્યું છે.મેં ના પાડી તો મારે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરે આવીને મને ધમકાવવામાં આવ્યો અને પછી કાર્યવાહી શરૂ થઈ.’

‘ભાજપના વરિષ્ઠ નેતાઓએ સંપર્ક કરેલો’

અગાઉ રાવતે દાવો કર્યો હતો કે, ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓએ જાન્યુઆરી મહિનામાં તેમનો સંપર્ક કર્યો હતો અને પક્ષ બદલવા માટે કહ્યું હતું.સાથે જ ચેતવણી આપી હતી કે, જો તેમણે મનાઈ કરી તો તેમણે આની કિંમત ચુકવવી પડશે.તેમને એવું કહેવામાં આવ્યું હતું કે, જો તેઓ હલશે નહીં તો કેન્દ્રીય એજન્સીઓ તેમને ઠીક કરી દેશે.તે લોકોએ એમ કહ્યું હતું કે, તેઓ કોઈ પણ રીતે આ સરકારને પાડવા માગે છે.તેઓ રાષ્ટ્રપતિ શાસન લાવશે અથવા તો ધારાસભ્યોના એક જૂથને તોડીને સરકાર બનાવશે. EDએ રાઉતનો અલીબાગ પ્લોટ અને દાદર, મુંબઈનો એક ફ્લેટ જપ્ત કર્યો છે.

રાઉતે કહ્યું કે, સંપત્તિનો અર્થ પણ સમજવો પડશે.શું હું વિજય માલ્યા છું? શું હું મેહુલ ચોક્સી છું? શું હું નીરવ મોદી કે અંબાણી-અદાણી છું? હું એક નાનકડા ઘરમાં રહું છું, મારા પૈતૃક સ્થાનમાં.મારા પાસે એક પણ એકર જમીન નથી.મારા પાસે જે પણ કશું છે તે પૈસા મારી મહેનતથી કમાયેલા છે.શું તપાસ એજન્સીને લાગે છે કે, કોઈ મની લોન્ડ્રિંગ છે? તમે લોકો મને કોના સાથે જોડી રહ્યા છો? મને કોઈ ડરાવી નહીં શકે.પછી ભલે તે મારી સંપત્તિ જપ્ત કરી લે કે મને ગોળી મારી દે કે મને જેલમાં મોકલી દે.. સંજય રાઉત બાલાસાહેબ ઠાકરેના અનુયાયી અને એક શિવ સૈનિક છે.

Share Now