રાનકુવા પોલીસ ચોકીમાં સ્ટાફનો વધારો કરવા માંગ

359

– 50 હજારની વસ્તી સામે માત્ર પાંચ જ પોલીસ કર્મી તૈનાત

ચીખલી : ચીખલી તાલુકાના રાનકુવા પોલીસ ચોકીના કાર્ય વિસ્તારમાં 5૦-હજારથી વધુની વસ્તી સામે માત્ર પાંચ પોલીસ કર્મીઓ જ તૈનાત હોવાથી કાયદો વ્યવસ્થાને અસર થવા પામી છે.સ્થાનિકોમાં સ્ટાફનો વધારો કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

ચીખલી પોલીસ મથકના તાબામાં આવતી રાનકુવા પોલીસ ચોકીના કાર્ય વિસ્તારમાંથી ચીખલી-સાપુતારા ઉપરાંત ખારેલ-ટાંકલ-રૂમલા એમ બે રાજ્ય ધોરીમાર્ગ પસાર થાય છે.આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોમાં રાનકુવામાં રહેણાંક સોસાયટીઓ વધવા સાથે વેપારી મથક તરીકે બહોળો વિકાસ થયો છે. રાનકુવા પોલીસ ચોકીના 16-જેટલા કિલો મીટરના વિસ્તારમાં રાનકુવા,સુરખાઈ,કુકેરી,રાનવેરી ખુર્ડ,ટાંકલ,વાંઝણા,નોગામાં,રાનવેરી કલ્લા,સાદડવેલ,દોણજા,હરણગામ,ચિતાલી,ખરોલી સહિતના 17-જેટલા ગામોની વસ્તી 50-હજારથી વધુની છે.તેની સામે રાનકુવા પોલીસ ચોકીમાં 1-પીએસઆઇ, 1-હેડ કોસ્ટેબલ, 3-કોસ્ટેબલ સાથે માત્ર પાંચ જેટલા જ પોલીસ કર્મીઓ ફરજ પર છે.આ ઉપરાંત કાયમી વાહન પણ નથી અને લેન્ડલાઈન કે કોઈ કાયમી ફોન પણ નથી.આમ તો રાનકુવા પોલીસ ચોકીનું મકાન લોક ભાગીદારી બનાવાયું હતું.પરંતુ આ પ્રકારની સ્થિતિ વચ્ચે કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે.બીજી તરફ પોલીસ કર્મીઓ ઉપર પણ કામનું ભારણ વધુ રહેતું હોય છે.જેની વિપરીત અસર કાયદો વ્યવસ્થા પર થઇ રહી છે.દિવસે-દિવસે ચોરી તેમજ ટ્રાફિક સહિતની સમસ્યાઓ વધી રહી છે.અને અસામાજીક તત્વોને છૂટો દોર મળી જવા પામ્યો છે.ત્યારે તંત્ર દ્વારા રાનકુવા પોલીસ ચોકીમાં સ્ટાફની ઘટ પુરી કરી પૂરતો સ્ટાફ ફાળવી કાયમી વાહન અને ફોનની વ્યવસ્થા કરે એ જરૂરી બન્યું છે.

રાનકુવા જંકશન દિવસ રાત વાહનથી ધમ ધમે છે

એપીએમસીના ડિરેકટર ટાંકલના જે.ડી.પટેલના જણાવ્યાનુસાર રાનકુવાનો વેપારી મથક તરીકે વિકાસ થયો છે.અને રાનકુવા જંકશન પણ દિવસ રાત વાહનથી ધમધમતું રહે છે.ત્યારે રાનકુવા ચોકીમાં પૂરતો સ્ટાફ હોવો જરૂરી છે.અને સ્ટાફ વધારવા માટે અમે પ્રયત્નશીલ છીએ

Share Now