Haldiramના પેકેટ પર ‘ઉર્દુ’ લખાણ મામલે રિપોર્ટરના હંગામા બાદ સોશિયલ મીડિયામાં નવો ટ્રેન્ડ

403

– લોકોએ ઉર્દુ લખાણવાળા ભારતીય રેલવેના સંકેતોથી લઈને ચલણી નોટોનું ઉદાહરણ આપ્યું

નવી દિલ્હી, તા. 06 એપ્રિલ 2022, બુધવાર : દેશમાં હાલ હિજાબ, હલાલ મીટ અને અઝાન મુદ્દે વિવાદનો માહોલ સર્જાયેલો છે.ત્યારે આ બધા વચ્ચે એક ટીવી રિપોર્ટરે પ્રખ્યાત નમકીન બ્રાન્ડ હલ્દીરામના પેકેટ પર કથિત ‘ઉર્દુ’ શબ્દને લઈ ભારે હંગામો મચાવ્યો હતો.વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલા રિપોર્ટર હલ્દીરામના નાસ્તાના પેકેટને હાથમાં પકડીને સ્ટોર મેનેજરને સવાલ કરે છે કે, આમાં એવું શું છે કે, ઉર્દુ લખાણ રાખવામાં આવ્યું.આ અંગે તમારો મત રજૂ કરો.ત્યારે સ્ટોર મેનેજર કહે છે કે, હું આ અંગે મારો મત શા માટે આપું, તમારો સવાલ મારા માટે છે કે પબ્લિક માટે? ત્યારે રિપોર્ટર કહે છે કે, હું તમને સવાલ કરવા માગુ છું કે, એવું શું સંતાડવા માગો છો કે ખોટું પીરસવા માગો છો? પેકેટ પર ઉર્દુમાં શા માટે લખવામાં આવ્યું છે. ત્યારે સ્ટોર મેનેજર કહે છે કે, તમારે જે કરવું હોય તે કરો.હલ્દીરામ આવા નખરાઓને એન્ટરટેઈન નહીં કરે.સ્ટોર મેનેજરે પેકેટ પરના ઉર્દુ લખાણ અને નવરાત્રી દરમિયાન ઉપવાસ કરનારા હિંદુઓ સાથે દગા મામલે મહિલા પત્રકારને વધુ જવાબ આપવાનું ટાળ્યું હતું.

મહિલા પત્રકારે કર્મચારીને વારંવાર સવાલ કર્યો હતો કે, નમકીનમાં જાનવરના તેલનો ઉપયોગ તો નથી કરવામાં આવ્યો ને? ત્યારે મહિલા કર્મચારીએ અહીં અનેક કોમ્યુનિટીના લોકો આવે છે માટે ઉર્દુ ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવે છે તેવો જવાબ આપ્યો હતો.સાથે જ એવો સવાલ પણ કર્યો હતો કે, જે ભાષા તમને લાગુ નથી પડતી એ ભાષાનું વિવરણ જ તમારે શા માટે વાંચવું છે? હિંદી અને અંગ્રેજીમાં પણ લખાણ છે જ. આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર લોકો ખૂબ જ નારાજગી દર્શાવી રહ્યા છે અને કેટલાક લોકોએ પેકેટ પરનું લખાણ અરબી હોવાનું પણ જણાવ્યું છે. સાથે જ કારણ આપતા લખ્યું છે કે, આ લખાણ એટલા માટે છે કારણ કે, તેની મિડલ ઈસ્ટમાં નિકાસ કરવામાં આવે છે.

આ સાથે જ કેટલાક લોકોએ ઉર્દુ લખાણવાળા ભારતીય રેલવેના સંકેતોથી લઈને ચલણી નોટોનું ઉદાહરણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સુદર્શન ટીવી નામની આ ચેનલ દ્વારા દર્શાવવામાં આવતા ઈસ્લામોફોબિક કન્ટેન્ટની સુપ્રીમ કોર્ટ દ્વારા ટીકા કરવામાં આવેલી છે.

Share Now