મુંબઇ : મુખ્યપ્રધાનના નામે શિવસેનામાં છૂપી સ્પર્ધા ચાલીરહી છે.આ સ્પર્ધા દિવસે- દિવસ વધી રહી છે.થોડા સમય પહેલાં થાણેના પાલકપ્રધાન અને નગરવિકાસ પ્રધાન એકનાથ શિંદેના જન્મદિવસે થાણેમાં તેમના સમર્થકોએ ઠેર- ઠેર તેમને વધાઈ આપતા બેનરમાં ‘ભાવિ મુખ્યપ્રધાન’ તરીકેનો ઉલ્લેખ કર્યો હોવાનું જણાવ્યું હતું.ત્યારબાદ હવે શિવસેનાના જ એક વિધાનસભ્યએ ભરસભામાં ભાવિ મુખ્યપ્રધાન તરીકે અનિલ પરબના નામનો ઉલ્લેખ કરતા ચકચાર મચી ગઈ છે.વિધાનસભ્યએ જ્યારે આ મુજબનો ઉલ્લેખ કર્યો ત્યારે કાર્યક્રમમાં ઉધ્ધવ ઠાકરેના અત્યંત નિકટના અને વિશ્વાસુ એવા મિલિંદ નાર્વેકર પણ હાજર હતા.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર શનિવારે એક જાહેર કાર્યક્રમમાં શિવસેનાના વિધાનસભ્ય સંજય પોતનીસે અનિલ પરબનો ઉલ્લેખ ‘ભાવિ મુખ્યપ્રધાન’ તરીકે કરી દેતા કાર્યક્રમમાં હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.પરબ પોતે પણ અચંભિત થઈ ગયા હતા.થોડા સમય માટે તો પોતનીસને શું કહેવું તે સૂઝ્યું નહોતું પણ પછીથી જીભ લપસી ગઈ હોવાનું અને મજાકમાં આ પ્રકારનો ઉલ્લેખ કર્યો હોવાનું માધ્યમો સમક્ષ સ્પષ્ટ કર્યું હતું.
રાજ્યમાં ચાલી રહેલ સતા સંઘર્ષ અને મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેની સતત નાદુરસ્ત રહેતી તબિયતને લીધે વિરોધકોએ મુખ્યપ્રધાન પદ અન્ય કોઈને સોંપવાની સલાહ ઠાકરેને આપી હતી.ત્યારબાદ ઉધ્ધવ ઠાકરે ખરેખર જ મુખ્યપ્રધાન પદ છોડશે તેવો તર્ક- વિતર્ક કરવામાં આવતો હતો.રાજ્યના રાજકારણમાં મહાવિકાસ આઘાડી સરકારની સ્થાપના બાદ અનિલ પરબનું રાજકીય વજન સતત વધી રહ્યું છે.