– ભારત સતત પ્રગતિના માર્ગ ઉપર જઈ રહ્યું છે તેના માર્ગમાં જે કોઈ આવશે તે સાફ થઈ જશે અમારી અહિંસા ડંડા સાથેની છે.
હરિદ્વાર : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે, સનાતન ધર્મ જ હિંદુ રાષ્ટ્ર છે. તેઓએ કહ્યું ૧૫ વર્ષમાં જ ફરી અખંડ ભારત બની રહેશે અને તે બધું આપણે આપણી આંખોથી જોવાના છીએ. સંતો અને જ્યોતિષીઓનું માનવું છે કે, ૨૦થી ૨૫ વર્ષમાં દેશ ફરીથી અખંડ ભારત બની રહેશે. પરંતુ જો આપણે બધા સાથે મળીને તે કાર્યને ગતિ આપીએ તો ૧૦થી ૧૫ વર્ષમાં જ અખંડ ભારત બની રહેશે. ભાગવતે વધુમાં કહ્યું હતું કે, કેટલાક કહેવાતા નેતાઓ,સનાતન ધર્મનો વિરોધ કરે છે તેમનું પણ તેમાં પ્રદાન છે.જો તેનો વિરોધ કરતા જ હોત તો હિન્દુઓ જાગત જ નહીં તેઓ સૂતા જ રહ્યા. તેમણે કહ્યું હતું કે જો ભારત જાગશે તો ધર્મના માધ્યમથી જ જાગશે.હરિદ્વારમાં આપેલા એક પ્રવચનમાં તેમણે કહ્યું હતું કે, ભારત સતત પ્રગતિના માર્ગ ઉપર ચાલી રહેલ છે. તેના માર્ગમાં જે કોઈ આવશે તે ખતમ થઈ જશે.આપણે અહિંસાની વાત કરીએ છીએ પરંતુ તે વાત હાથમાં ડંડો લઈને કરવાની છે. આપણા મનમાં કોઈ દ્વેષ કે શત્રુભાવ નથી પરંતુ દુનિયા શક્તિને જ માન આપે છે.તો આપણે શું કરી શકીએ ? ભાગવતના આ વકતવ્ય ઉપર શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, આમ અખંડ ભારત બનાવો પરંતુ ૧૫ વર્ષનો નહી ૧૫ દિવસનો જ વાયદો કરો.અખંડ ભારતનું સ્વપ્ન કોણ નથી જોતું ? વીર સાવરકર, બાળાસાહેબ ઠાકરેનું પણ તે સ્વપ્ન હતું.સૌથી પહેલા વીર સાવરકરને ભારત રત્ન આપો.રાઉતે કહ્યું, કોઈ અખંડ હિન્દુસ્તાનની વાત કરે તો સૌથી પહેલા POKને ભારત સાથે જોડવું પડે.પછી પાકિસ્તાનનું જે વિભાજન થયું હતું તેને (બાંગ્લાદેશ)ને પણ ભારત સાથે જોડવું પડે.પહેલા ભારતની સીમાઓ જ્યાં સુધી હતી તે સર્વેને ભારતમાં સંમિલિત કરવી પડે.શ્રીલંકાને પણ જોડો અને પછી મહાસત્તા બની રહો.આપને કોઈએ રોક્યા જ નથી પરંતુ તે પહેલા કાશ્મીરી પંડિતોને તેમના નિવાસસ્થાને પહોંચાડો જો આપ તે કરી શકો તો અમે આપને સમર્થન આપીશું.