મુંબઈ, તા.૧૩: ભૂતપૂર્વ ભારતીય સ્પિનર અને ૨૦૧૧માં વર્લ્ડ કપ જીતનારી ટીમમાં સામેલ હરભજન સિંઘે હૈયાવરાળ ઠાલવી હતી.હરભજને કહ્યું કે, અમે ૨૦૧૧નો વર્લ્ડ કપ જીત્યા અને બધો શ્રેય માત્ર ધોનીને જ આપવામાં આવ્યો હતો.બધા કહેતા હતા કે, ધોનીએ ભારતને વર્લ્ડ કપ જીતાડયો.હરભજને તેના તીખા અંદાજમાં કહ્યું કે, જો ધોનીએ વર્લ્ડ કપી જીતાડયો તો શું બાકીના ખેલાડીઓ ત્યાં લસ્સી પીતા હતા.આઇપીએલના શૉમાં કોલકાતા-દિલ્હીની મેચ અગાઉ મોહમ્મદ કૈફે કહ્યું હતુ કે, શ્રેયસ ઐયર (૨૦૨૦માં) દિલ્હીની ટીમને છેક ફાઈનલ સુધી પહોંચાડી હતી. અલબત્ત કૈફની આ કોમેન્ટથી હરભજન નારાજ જોવા મળ્યો હતો.તેણે તરત જ કહ્યું કે, મને એક વાત સમજાતી નથી.શ્રેયસ ઐયર એકલો ટીમને ફાઈનલ સુધી લઈ ગયો ? તો શું બાકીના ખેલાડીઓ ગિલ્લી-દંડો રમતા હતા ? ૨૦૧૧ના વર્લ્ડ કપની ફાઈનલમાં ધોનીએ અણનમ ૯૧ રન ફટકાર્યા હતા અને કુલાસેકરાની બોલિંગમાં વિજયી સિક્સર ફટકારતાં ભારતને ઐતિહાસિક વર્લ્ડ કપ અપાવ્યો હતો.મેચમાં ઓપનર ગૌતમ ગંભીરે ૯૭ રન ફટકાર્યા હતા.તેની ઈનિંગને સહારે ભારત ૩૧/૨થી રિકવર થઈને આખરે જીત્યું હતુ.હરભજને કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ જીત્યો ત્યારે હેડલાઈન હતી કે, ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ જીત્યો.જ્યારે ભારતે વર્લ્ડ કપ જીત્યો ત્યારે બધા કહેતા હતા કે, ધોનીએ વર્લ્ડ કપ જીતાડયો.તો બાકીના ખેલાડીઓ ત્યાં લસ્સી પીવા ગયા હતા? બાકીના ૧૦ ખેલાડીઓએ શું કર્યું? ગૌતમ ગંભીરે શું કર્યુ હતું? ક્રિકેટ ટીમ ગેમ છે.જ્યારે સાત-આઠ ખેલાડીઓ રમે ત્યારે જ ટીમને સફળતા મળે છે.અગાઉ ગૌતમ ગંભીર પણ આ અંગે પોતાની નારાજગી જાહેર કરી ચૂક્યો છે.