ગુલાબી સાફામાં સજ્જ રિશી વાસ્તુના ગેટ પર મહેમાનોને આવકારતો દેખાય છે : રિશીના મિત્રો ભાવુક થઇ ગયા

432

મુંબઇ, તા. 14 એપ્રિલ 2022,ગુરૂવાર : રણબીર કપૂર અને આલિયા ભટ્ટનાં લગ્ન પ્રસંગે રિશી કપૂરના કેટલાક મિત્રો દિવગંત અભિનેતાને યાદ કરીને એકદમ ભાવુક થઇ ગયા હતા.ફિલ્મી દુનિયામાં રિશી કપૂરના સૌથી અંગત મિત્રોમાં રાકેશ રોશનનો સમાવેશ થાય છે. રણબીર નાનપણથી રાકેશ રોશનનો લાડકો છે. રાકેશ રોશને સ્વર્ગસ્થ મિત્રને આ પ્રસંગે યાદ કરતાં કહ્યું હતું કે રિશીનાં તમામ સપનાં સાચાં પડી રહ્યાં છે તે જોઇને આનંદ થાય છે.

ઉલ્લેખનીય છે કે રિશી કપૂરે પોતાની હયાતી દરમિયાન રણબીર કપૂર લગ્ન કરી સેટલ થઇ જાય તેવી મહેચ્છા વારંવાર પ્રગટ કરી હતી.રિશી કપૂર ને આલિયા માટે પણ ખાસ સ્નેહ હતો અને તેઓ પોતાની હયાતીમાં જ આલિયાને પુત્રવધૂ તરીકે સ્વીકારી ચૂક્યા હતા.આલિયા અને રણબીર ન્યૂયોર્કમાં રિશી કપૂરની સારવાર દરમિયાન લાંબા સમય સુધી તેમની સાથે રહ્યા હતા.શક્તિ કપૂરે પણ આ પ્રસંગે બહુ ભાવભીની રીતે રિશીને યાદ કર્યા હતા.શક્તિ કપૂરે કહ્યું હતું કે મને તો આંખ સામે એવું તરવરે છે.કે રિશી કપૂર પંજાબી સ્ટાઇલથી ગુલાબી સાફો બાંધીને વાસ્તુના ગેટ પર ઊભા છે અને દરેક મહેમાનને એકદમ જોશ સાથે આવકારી રહ્યા છે.શક્તિએ કહ્યું કે મને ખાતરી છે કે રિશી કપૂર અત્યારે જ્યાં પણ હસે ત્યાં એકદમ ઉલ્લાસ સાથે ડાન્સ કરતો હશે અને ખુશી મનાવતો હશે. ચિન્ટુ આ દિવસ જોવા તલસતો હતો પણ જિંદગી જિંદગીની રીતે ચાલે છે. શક્તિ કપૂરના જણાવ્યા અનુસાર ચિન્ટુ જ્યારે પણ મળતો ત્યારે રણબીરનાં લગ્નનાં ઓરતાં વ્યક્ત કરતાં કહેતો કે યાર આજકલ કે બચ્ચે શાદી ક્યોં નહીં કરતે.પછી મજાક કરતાં કહેતો કે વક્ત ખરાબ ચલ રહા હૈ, શાદિયાં ચલતી નહીં હૈં.

Share Now