પૂણે, તા.૧૩: મુંબઈને આખરી ઓવરમાં ૨૨ રનની જરુર હતી અને તેમની ચાર વિકેટ સલામત હતી, ત્યારે ઓડેન સ્મિથે માત્ર ૯ રન આપીને ત્રણ વિકેટ ઝડપતાં પંજાબ કિંગ્સે ૧૨ રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો.મુંબઈની ટીમ સતત પાંચમી મેચ હારતા ખાતું ખોલાવી શકી નહતી.આઇપીએલની ૧૫મી સિઝનમાં મુંબઈ એક જ એવી ટીમ છે,જેને એક પણ વિજય મળ્યો નથી. જીતવા માટેના ૧૯૯ના ટાર્ગેટ સામે મુંબઈ ૯ વિકેટે ૧૮૬ રન સુધી પહોંચી શક્યું હતુ. આખરી ઓવરમાં ઓડેન સ્મિથના પહેલા બોલે ઉનડકટે છગ્ગો ફટકાર્યો હતો અને બીજા બોલે બે રન લીધા હતા. જોકે ત્રીજા બોલે તે અગ્રવાલના હાથે કેચઆઉટ થયો હતો. ત્યાર બાદ વાઈડ બોલ પછી બુમરાહ ચોથા બોલે છગ્ગો ફટકારવાના પ્રયાસમાં ધવનના હાથે કેચઆઉટ થયો હતોએક ડોટ બોલ બાદ આખરી બોલ પર મિલ્સનો કેચ અગ્રવાલે ઝડપતાં પંજાબ જીત્યું હતુ. સ્મિથે તેના આખરી ચાર બોલમાં ૧ રનમાં ૩ વિકેટ ઝડપી હતી. બ્રેવિસે ૪૯ અને સૂર્યકુમારે ૪૩ રન કર્યા હતા. તિલક (૩૬) અને પોલાર્ડ (૧૦) રનઆઉટ થયાં તે મુંબઈને ભારે પડયું હતુ. ઓપનર શિખર ધવનના ૫૦ બોલમાં ૭૦ રન તેમજ કેપ્ટન મયંક અગ્રવાલ (૩૨ બોલમાં ૫૨)ની અડધી સદીની મદદથી પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે ૧૯૯ રનનો પડકાર આપ્યો હતો. મુંબઈના બોલરો પ્રભાવ પાડી શક્યા નહતા. થામ્પી અને ઉનડકટ કુલ મળીને ૯૧ રન આપ્યા હતા અને ત્રણ વિકેટ ઝડપી હતી. જીતેશ શર્માએ ૧૫ બોલમાં અણનમ ૩૦ રન કર્યા હતા. પૂણેમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પંજાબ કિંગ્સને બેટિંગમાં ઉતાર્યું હતુ. કેપ્ટન મયંક અગ્રવાલ અને શિખર ધવનની જોડીએ ટીમને હકારાત્મક શરૃઆત અપાવી હતી. બંનેએ આસાનથી સ્ટ્રોક ફટકારતાં સ્કોરબોર્ડને ફરતું રાખ્યું હતુ.અગ્રવાલ અને ધવનની જોડીએ ૫૭ બોલમાં ૯૭ રનની ભાગીદારી કરી હતી.અગ્રવાલે ૩૨ બોલમાં ૬ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૫૨ રન ફટકાર્યા હતા.એમ. અશ્વિને અગ્રવાલની વિકેટ ઝડપી હતી, તેનો કેચ સૂર્યકુમારે ઝડપ્યો હતો.ધવને એક છેડો સાચવી રાખતાં ૫૦ બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૭૦ રન ફટકાર્યા હતા.ઉનડકટે બેરસ્ટોને ૧૨ રને અને બુમરાહે લિવિંગસ્ટનને બે રને આઉટ કર્યો હતો.ધવનની વિકેટ થામ્પીએ ઝડપી હતી.તેણે શાહરૃખ (૧૫)ની વિકેટ પણ ઝડપી હતી.જીતેશ શર્માએ ૧૫ બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ ૩૦ રન કર્યા હતા.