જામનગર, : જામનગરમાં જોગસ પાર્ક વિસ્તારમાં આવેલા એક એટીએમ મશીનમાંથી નાણા ઉપાડવા આવેલા બે પરપ્રાંતીય શખ્સોને પોલીસે પકડી પાડયા હતા.જેઓએ એટીએમમાંથી નાણાં ઉપાડી લેવાનો નવતર કીમિયો હાથ ધર્યો હતો,અને બેંકમાંથી નાણાં એટીએમ મશીનમાંથી ઉપડી જાય પરંતુ મશીનની સ્વીચ બંધ કરી દેતા હોવાથી બેંક ખાતામાં એન્ટ્રી ન પડે,અને તેટલી રકમ બેંક મારફતે ખાતામાં જમા કરાવી લઇ નવતર પ્રકારે ફ્રોડ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે.એલસીબીની ટુકડીએ બન્ને શખ્સો પાસેથી 30થી વધુ એટીએમ કાર્ડ કબજે કરી લીધા છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.આ નવતર છેતરપિંડીના કિસ્સા અંગેની વિગતો એવી છે કે જામનગરના જોગર્સ પાર્ક વિસ્તારમાં આવેલા બેન્કના એટીએમમાં પૈસા ઉપાડવા માટે આવેલા બે અજાણ્યા શખ્સોની શંકાસ્પદ હિલચાલ વિશે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી, અને તેઓ દ્વારા એટીએમ મશીનમાં ગોટાળા કરીને નાણાં કાઢી લેતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.જેના અનુસંધાને એલસીબીની ટુકડીએ વોચ ગોઠવીને બે શખ્સોને અટકાયતમાં લઇ લીધા હતા.તે બંનેને એલસીબીની કચેરીએ લઇ જવાયા પછી તેઓના નામ પુછતાં એક શખ્સે પોતાનું નામ વારીસખાન રતીખાન પઠાણ (ઉ.વ.28 )અને હરિયાણા રાજ્યના વતની હોવાનું તેમજ બીજાનું નામ અંસારખાન ક્યૂમખાન અને તે પણ હરિયાણા રાજ્યનો વતની હોવાનું કબૂલ્યું હતું.
પોલીસ દ્વારા બન્ને શખ્સોની તલાશી લેવામાં આવતાં તેઓના કબજામાંથી જુદી જુદી બેન્કોના 30 થી વધુ એટીએમ કાર્ડ અને બે મોબાઇલ મળી આવ્યા હતા. ઉપરાંત ફ્રોડ ના માધ્યમ થી એકઠી કરેલી કેટલીક રોકડ રકમ મળી આવી હતી. જે કબજે કરીલઇ બંને શખ્સોની ઉંડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરાઇ હતી.
લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમની પૂછપરછ દરમિયાન બંને શખ્સો પોતાના વતનમાંથી નીકળ્યા પછી જુદા જુદા રાજ્યમાં થઈને જામનગર આવ્યા હતા અને પોતાના મિત્ર વર્તુળ,ઉપરાંત સગાસંબંધીઓ,વગેરેના 30થી વધુ એટીએમ કાર્ડ મેળવી લીધા હતા.જે એટીએમ કાર્ડ માટે જુદા જુદા બેંકોના એટીએમ મશીનમાં તપાસણી કરતા હતા.જ્યાં એટીએમ મશીન ને ચાલુ બંધ કરવાની સ્વીચ ધ્યાનમાં હોય તે સ્થળે ઊભા રહીને સૌપ્રથમ બેંકના મશીનમાં એટીએમ કાર્ડ નાખીને નાણાં કાઢવાની પ્રક્રિયા હાથ ધરતા હતા,જે દરમિયાન ચલણી નોટ બહાર આવે ત્યારે જ મશીન ની સ્વીચ બંધ કરી દેતા હતા,અને મશીનમાં સલવાયેલી ચલણી નોટોને ખેંચી લેતા હતા.આ કાર્યવાહી સમયે બંકમાં એટીએમ મશીનમાં એન્ટ્રી પડતી ન હોવાથી બેંકમાં જઇ પોતાના ખાતામાં તેટલી જ રકમના નાણાં જમા કરાવી લેતા હતા.તેઓએ અનેક મશીનમાં આવી રીતે ફ્રોડ કર્યો હોવાનું ધ્યાનમાં આવ્યું છે અને રસ્તામાં જુદા જુદા સ્થળે તે રકમ વાપરી નાખી હોવાનું કબૂલ્યું છે. જે સમગ્ર મામલે એલસીબીના પીઆઇ બી.એમ. દેવમુરારી દ્વારા બંને શખ્સો સામે જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં એ.પી.સી. કલમ 420, 511 અને 114 મુજબ ગુન્હો નોંધ્યો છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે.