અમદાવાદ,તા.16 એપ્રિલ 2022:
જમાલપુર શાકમાર્કેટમાં ગુરૂવારે રાત્રે ટ્રકમાંથી મરચા ભરેલા પોટલાની ચોરી કરતા બે શખ્સને લોકોએ પકડી પોલીસને સોંપ્યા હતા. પોલીસ તપાસમાં અન્ય બે આરોપી મરચા ભરેલા પોટલા લઈ ફરાર થઈ હતા. ગાયકવાડ હવેલી પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ખેડાના મિતરાલ ગામે રહેતો મો.અઝહરુદ્દીન ભટ્ટી જમાલપુર શાક માર્કેટમાં તર્ક શાકભાજી ભરી વેચાણ કરવા આવે છે. ગુરૂવારે પીપલજથી મો.અઝહરુદ્દીન મરચાના પોટલા ભરી શાકભાજી વેચવા માટે જમાલપુર આવ્યો હતો. મો.અઝહરુદ્દીને શાકમાર્કેટમાં દાખલ થવા ટ્રક લાઈનમાં ઉભી રાખી હતી. દરમિયાન તેણે સાઈડ મીરરમાં જોયું તો બે શખ્સ ટ્રકના પાછળના ભાગેથી ઉપર ચઢી મરચા ભરેલા પોટલા જમીન પર ફેક્તા હતા. આથી મો.અઝહરુદ્દીને ત્યાં જઈ ટ્રક પાસે ઉભેલા શખસોને પકડવા પ્રયત્ન કરતા તેઓએ ઝપાઝપી કરી હતી. આથી,મો.અઝહરુદ્દીને બુમો પાડતા લોકો મદદે આવ્યા પણ બે શખ્સો મરચાના બે પોટલા લઈ ભાગી ગયા હતા.જોકે ટ્રકમાં રહેલા બે યુવકો પકડાયા હતા. પોલીસ તપાસમાં પકડાયેલા યુવકોમાં કરણ બ્રીજેશ ગુપ્તા અને જાવેદ ઉર્ફ બોબડો કાલુમિયા શેખ હોવાનું જ્યારે તેમના ફરાર બે સાગરીતોમાં નવઘણ ઉર્ફ ભજિયો અને સમીર ઉર્ફ તોતુ અકબર સૈયદનો સમાવેશ થાય છે. પોલીસ ચારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.