વડોદરા : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીના સિનિયર ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયાએ આગામી ચૂંટણી નહી લડવાની આજે જાહેરાત કરી દીધી હતી.વડોદરાની સયાજીગંજ વિધાનસભાની બેઠક ચાર ટર્મથી ચૂંટાતા આવતા સુખડિયાની સ્વૈચ્છિક જાહેરાતના પગલે રાજકીય મોરચે ચર્ચાનો વિષય બની ગયો હતો.વડોદરા સહિત મધ્યગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને ઉભુ કરવામાં મહત્વનું યોગદાન આપનાર જિતેન્દ્ર સુખડિયાની સ્વૈચ્છિક જાહેરાતને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે આવકારી હતી.ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો પ્રચાર – પ્રસાર શરૂ કરવાની તૈયારીઓમાં તમામ રાજકીય પક્ષોએ કવાયત શરૂ કરી દીધી છે.નવેમ્બર મહિનામાં વર્તમાન વિધાનસભાની મુદત પૂરી થઇ રહી છે.તેની ચૂંટણીઓના પ્રચારનું રણશીંગુ ફૂંકવા માટે ખૂદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં આવી રહ્યા છે.કોંગ્રેસના રાહુલ ગાંધી પણ ટૂંક સમયમાં ગુજરાતના પ્રવાસે આવે તેવો તખ્તો ઘડાઇ રહ્યો છે.આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ચૂંટણી લડવાનું મન મનાવી લીધુ છે.ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્યોને ટીકીટ મળશે કે કપાશે?ની ગણતરીઓ શરૂ થઇ ગઇ છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત મોવડીઓએ રાજકીય કાર્યક્રમોનો વેગ વધારી દીધો છે.આ દરમિયાન વડોદરામાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપના સિનિયર ધારાસભ્ય એવા જિતેન્દ્ર સુખડિયાએ આગામી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દઇને તમામને ચોંકાવી દીધા છે.જો કે ગત વિધાનસભાની ચૂંટણી વેળાએ જ તેઓએ તેમના સર્કલમાં છેલ્લી ચૂંટણી હોવાની જાહેરાત કરી દીધી હતી.પરંતુ આજની અચાનક જાહેરાતને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે આવકારીને જણાવ્યુ હતુ કે,જીતુભાઇએ આ બહુ મોટો નિર્ણય કર્યો છે.