ખંભાળિયા, ઓખા, : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક વખત તરવરિયા હોડીધારકો માટે રોમાંચક સમુદ્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.ઓખા ખાતે યોજવામાં આવેલી 41મી સમુદ્ર મહાજન હોડી સ્પર્ધામાં 22 શઢવાળી હોડી સાથે દરેક હોડીમાં ત્રણ મળીને 66 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જેમાં વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.ગુજરાત સરકારના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ-ગાંધીનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુરૂવારે ઓખાની દામજી જેટી ખાતે યોજવામાં આવેલી 41 મી હોડી સ્પર્ધામાં કુલ 22 હોડી સાથે 66 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.બેટ-દ્વારકાના સરાઉંડિંગ 36 કી.મી. જેટલા વિસ્તારમાં યોજાયેલી આ હોડી સ્પર્ધા માટે પ્રથમ ત્રણ ક્રમમાં 3.18 કલાક સાથે ૫ નંબરની બંદરી લતીફ આમદની અલ સંજરી હોડી,3.20 કલાક સાથે 4 નંબરની અલ હુશેની નામની થૈમ સલીમ હસનભાઈની હોડી અને 3.22 કલાક સાથે 2 નંબરની બંદરી અયુબ અબુભાઈની હોડીને વિજેતા જાહેર કરવામાં આવી હતી.આ સ્પર્ધકોને હરીઓમ આશ્રમ- નડિયાદ અને કમિશનર યુવક સેવા વિભાગ દ્વારા પ્રોત્સાહિત ઇનામો આપ્યા હતા.એટલું જ નહીં, ઓખાના સ્થાનિક વેપારીઓ, આગેવાનો તેમજ રાજકીય અગ્રણી સહિત જુદા જુદા 8 વ્યક્તિઓ દ્વારા પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબરે વિજેતાઓને રોકડ રકમ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત જિલ્લા રમત અધિકારી કચેરી દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા થયેલાઓને અનુક્રમે રૂા. 12,000, રૂા. 8,000 તથા રૂા. 5,000 ઉપરાંત નડિયાદના હરિઓમ આશ્રમ દ્વારા પણ આ પ્રમાણે રોકડ રકમ આપવામાં આવી હતી.આમ,પ્રથમ, દ્વિતીય અને તૃતીય અનુક્રમે કુલ રૂા. 44,600 તથા રૂા.27,800 અને રૂા. 15,700 નો રોકડ પુરસ્કાર મળ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે હાલ એન્જિનો સાથેની હોડીનો મહત્તમ ઉપયોગ થાય છે ત્યારે શઢવાળી હોડીની આ સ્પર્ધાએ સારૂં એવું આકર્ષણ જગાવ્યું હતું. જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.